સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના ચેરમેન દિનેશ ખારાની મુદત લંબાવવામાં આવી શકે છે કારણ કે સરકાર તમામ જાહેર ક્ષેત્રની બેંકો અને LICના વડાઓની નિવૃત્તિ વય મર્યાદામાં રાહત આપવાનું વિચારી રહી છે.
સરકાર સમક્ષ મુકવામાં આવેલ દરખાસ્તમાં જાહેર ક્ષેત્રની બેંકો (PSBs)ના મેનેજિંગ ડિરેક્ટરોની નિવૃત્તિ વય વર્તમાન 60 વર્ષથી વધારીને 62 વર્ષ કરવાનો પણ સમાવેશ થાય છે.
પીઢ બેન્કર ખારાએ ઓક્ટોબર 2020માં ત્રણ વર્ષ માટે SBIના ચેરમેન તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. વર્તમાન નિયમો અનુસાર SBI ચેરમેન 63 વર્ષની ઉંમર સુધી આ પદ પર રહી શકે છે. ખારા આવતા વર્ષે ઓગસ્ટમાં 63 વર્ષના થશે.
અધિકારીએ કહ્યું કે, જાહેર ક્ષેત્રની બેંકો અને જીવન વીમા નિગમ (LIC)ના વડાઓની નિવૃત્તિ વય વધારવા માટે ચર્ચાઓ ચાલી રહી છે. આ સાથે જાહેર ક્ષેત્રની બેંકોના મેનેજિંગ ડાયરેક્ટરોની નિવૃત્તિ વય 60 વર્ષથી વધારીને 62 વર્ષ કરવાની પણ ચર્ચા ચાલી રહી છે. અધિકારીએ જણાવ્યું હતું કે, જાહેર ક્ષેત્રની બેંકો અને LICના વડાઓની નિવૃત્તિની ઉંમર અંગે અંતિમ નિર્ણય લેવાનો બાકી છે. હાલમાં, LIC ચેરમેનની નિવૃત્તિ વય 62 વર્ષ છે.