પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો અવારનવાર ભારત વિરુદ્ધ નિવેદનો આપે છે. તેમણે વૈશ્વિક સભા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગુજરાતના કસાઈ કહ્યા હતા. હવે એ જ બિલાવલ ભુટ્ટોને ભારતે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકમાં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું છે.
ભારત કરી રહ્યું છે SCO બેઠકની અધ્યક્ષતા
અહેવાલ મુજબ, ભારત હાલમાં SCO બેઠકની અધ્યક્ષતા કરી રહ્યું છે, જેમાં રશિયા, ચીન, ભારત, પાકિસ્તાન, ઈરાન અને મધ્ય એશિયાના દેશો સામેલ છે. SCO ના અધ્યક્ષ તરીકે, ભારત ઘણા કાર્યક્રમોનું આયોજન કરવા તૈયાર છે, જેમાં સભ્ય રાજ્યોના મુખ્ય ન્યાયાધીશોની પરિષદ, વિદેશ મંત્રીઓની બેઠક અને 2023 માં એક સમિટ સહિત અનેક કાર્યક્રમો સામેલ છે.
પાકિસ્તાન તરફથી નથી આવ્યો કોઈ જવાબ
SCOના મુખ્ય ન્યાયાધીશોની બેઠક માર્ચમાં યોજાવાની છે જ્યારે વિદેશ મંત્રીઓની બેઠક મે મહિનામાં યોજાશે. સોમવારે ભારતે ચીફ જસ્ટિસ અને વિદેશ મંત્રીઓની બેઠક માટે પાકિસ્તાનને આમંત્રણ મોકલ્યું છે. હાલ એ સ્પષ્ટ નથી કે ચીફ જસ્ટિસ અને વિદેશ મંત્રી બંને કાર્યક્રમોમાં હાજરી આપશે કે પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરવા માટે કોઈની નિમણૂક કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાને હજુ સુધી ભારતીય આમંત્રણનો જવાબ આપ્યો નથી.
આ બેઠકમાં સામેલ થવય પાકિસ્તાનની મજબૂરી
એક અખબારી અહેવાલ મુજબ, ચીન અને રશિયાની હાજરીને કારણે SCOની આ બેઠક ખાસ બનવાની છે. પાકિસ્તાન આ આયોજનોમાંથી બહાર નહીં જઈ શકે. પાકિસ્તાન અને ભારતને તેમના દ્વિપક્ષીય વિવાદોને કારણે SCOના કાર્યને પ્રભાવિત ન કરવાની પ્રતિજ્ઞા લીધા પછી થોડા વર્ષો પહેલા પ્રભાવશાળી સંગઠનના સંપૂર્ણ સભ્ય તરીકે સ્વીકારવામાં આવ્યા હતા. અહેવાલ અનુસાર, SCO વિદેશ મંત્રીઓની બેઠક ગોવામાં યોજાવા જઈ રહી છે.