પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પાંચ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ શુક્રવારે રાત્રે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં પાકિસ્તાને 88 રને જીત મેળવી સિરીઝમાં 1-0ની લીડ મેળવી હતી. પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરીને 182 રન બનાવ્યા હતા. જવાબમાં મહેમાન કિવી ટીમ માત્ર 94 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
પાકિસ્તાન માટે આ મેચમાં ફાસ્ટ બોલર હરિસ રઉફે શાનદાર પ્રદર્શન કર્યું હતું. રઉફે 3.3 ઓવરમાં માત્ર 17 રન આપીને ચાર વિકેટ લીધી હતી. આ પહેલા બેટિંગમાં યુવા સૈમ અય્યુબે 28 બોલમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 47 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. આ સાથે જ ફખર ઝમાને પણ 4 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 47 રન બનાવ્યા હતા.
પાકિસ્તાન તરફથી મળેલા 183 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડની શરૂઆત સારી રહી ન હતી. ઓપનર ચેડ બોવ્સ 01 અને ત્રીજા નંબરના બેટ્સમેન વિલ યંગ 02 રન બનાવીને આઉટ થયા હતા. ત્યારબાદ ડેરીલ મિશેલ 11 અને કેપ્ટન ટોમ લાથમ 20 રને પેવેલિયન પરત ફર્યા હતા.
આ પછી માર્ક ચેપમેને કેટલાક શોટ રમ્યા અને જેમ્સ નીશમે પણ 2 ચોગ્ગા અને 1 છગ્ગા ફટકાર્યા. પરંતુ બંને લાંબો સમય ટકી શક્યા નહીં. નીશમ 8 બોલમાં 15 રન અને ચેપમેન 27 બોલમાં 34 રન બનાવીને આઉટ થયો હતો. ન્યુઝીલેન્ડની 88 રનમાં પાંચ વિકેટ હતી, પરંતુ આ પછી મુલાકાતી ટીમે માત્ર છ રનમાં જ તેની બાકીની પાંચ વિકેટ ગુમાવી દીધી હતી અને આખી ટીમ માત્ર 94 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
પાકિસ્તાન તરફથી હરિસ રઉફે 3.3 ઓવરમાં માત્ર 17 રન આપીને ચાર વિકેટ લીધી હતી. આ સિવાય ઈમાદ વસીમને બે સફળતા મળી. જ્યારે શાહીન આફ્રિદી, જમાન ખાન, ફહીમ અશરફ અને શાદાબ ખાનને એક-એક વિકેટ મળી હતી.