કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાની તમામ તાકાત લગાવી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બેંગલુરુમાં મેગા રોડ શો કરી રહ્યા છે. રોડ શો દરમિયાન પીએમ 26 કિલોમીટરનું અંતર કાપશે અને આ રોડ શો 8 વિધાનસભા મતવિસ્તારોમાંથી પસાર થશે. રોડ શો દરમિયાન એક વ્યક્તિ બજરંગ બલીના વેશમાં દેખાયો હતો. બીજી તરફ રોડની બંને બાજુ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને મોદી-મોદીના નારા લગાવી વડાપ્રધાનનું ફૂલહાર કરી સ્વાગત કરી રહ્યા હતા.
વાસ્તવમાં, કોંગ્રેસે તેના ઘોષણાપત્રમાં બજરંગ દળ પર પ્રતિબંધ મૂકવાની વાત કરી છે અને ભાજપે આ મુદ્દાને પકડી લીધો છે. આ મુદ્દાને બજરંગબલી સાથે જોડીને પીએમ મોદીએ ખુદ કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા.
બે જાહેરસભાને પણ સંબોધશે
આ રોડ શો બાદ વડાપ્રધાન બે જાહેરસભાઓને સંબોધશે. પ્રથમ જાહેર સભા બદામી ખાતે બપોરે 3 કલાકે અને બીજી જાહેર સભા હાવેરી ખાતે સાંજે 5 કલાકે યોજાશે. આજે રાત્રે પણ પીએમ મોદી બેંગલુરુ રાજભવનમાં જ રહેશે. રવિવારે તે બેંગલુરુમાં ફરી રોડ શો કરશે.
રવિવારે સવારે 10 વાગ્યે શરૂ થનારો રોડ શો 10 કિલોમીટર લાંબો હશે અને જૂના એરપોર્ટ રોડથી શરૂ થશે. આ પછી તેઓ બે જનસભાને પણ સંબોધિત કરશે. પીએમ મોદી બપોરે 2.15 વાગ્યે શિવમોગા ગ્રામીણમાં પ્રથમ જાહેર સભા અને સાંજે 5.45 વાગ્યે નંજનગુડુમાં બીજી જાહેર સભા કરશે. આ પછી, સાંજે 6 વાગ્યે, તેઓ નંજનગુડુ શ્રી શ્રીકાંતેશ્વરા સ્વામી મંદિરની મુલાકાત લેશે અને પ્રાર્થના કરશે.
પીએમ મોદીનો આદેશ
બીજેપીના જણાવ્યા અનુસાર, બેંગલુરુના લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે ધ્યાનમાં રાખીને પીએમ મોદીનો રોડ શો બે ભાગમાં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. NEETની પરીક્ષા પણ 7મી મેના રોજ યોજાવાની છે. બીજેપી સૂત્રોના જણાવ્યા અનુસાર, પીએમ મોદીએ સ્પષ્ટ સૂચના આપી છે કે રોડ શોના કારણે પરીક્ષા માટે બહાર જતા વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો ન પડે.
પીએમએ ધ કેરલ સ્ટોરીનો ઉલ્લેખ કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી રાજ્ય કર્ણાટકના ત્રણ દિવસીય પ્રવાસે છે. પીએમ મોદીએ એક દિવસ પહેલા જ બેલ્લારીમાં ચૂંટણી રેલી દરમિયાન ફિલ્મ ધ કેરલ સ્ટોરીનો ઉલ્લેખ કર્યો હતો અને વિપક્ષ કોંગ્રેસ પર પણ નિશાન સાધ્યું હતું. પીએમએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે આ ફિલ્મ કેરળમાં આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ કરે છે.
10 મેના રોજ મતદાન થવાનું છે
કર્ણાટક વિધાનસભાની 224 બેઠકો માટે 10 મેના રોજ એક જ તબક્કામાં મતદાન થશે. 10મી મેના રોજ યોજાનારી ચૂંટણી માટેનો ચૂંટણી પ્રચાર 8મી મેના રોજ સાંજે 5 વાગ્યે સમાપ્ત થશે. ચૂંટણીના પરિણામો 13 મેના રોજ આવવાના છે. કર્ણાટક ચૂંટણી માટે પ્રચાર અંતિમ ચરણમાં પહોંચી ગયો છે ત્યારે સત્તાધારી ભારતીય જનતા પાર્ટીએ પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે.