બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ શુક્રવારે ‘ભારત જોડો યાત્રા’ પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું અને આરોપ લગાવ્યો કે વિપક્ષી પાર્ટી ફક્ત દેશને તોડી શકે છે, તેને જોડી શકતી નથી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ ચૂંટણીને ધ્યાનમાં રાખીને બધા પક્ષોના મોટા નેતાઓના ગુજરાતમાં આંટાફેરા વધી ગયા છે. ત્યારે આજકાલ ભાજપના મોટા નેતાઓએ ગુજરાતમાં ધામા નાખ્યા છે. દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ ગુજરાત પ્રવાસે છે. તેમણે શુક્રવારે રાજકોટમાં જાહેર સભાને સંબોધતા પ્રધાનમંત્રી આવાસ યોજનાની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, અમે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગરીબોને પાકી છત આપી છે. આ અંતર્ગત ગુજરાતમાં 15 લાખ મકાનો અને રાજકોટમાં 54 હજારથી વધુ મકાનો બનાવવામાં આવ્યા છે. નડ્ડાએ કહ્યું કે, ભાજપ રિપોર્ટ કાર્ડ સાથે ચાલે છે.
સાથે જ બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ શુક્રવારે ‘ભારત જોડો યાત્રા’ પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું અને આરોપ લગાવ્યો કે વિપક્ષી પાર્ટી ફક્ત દેશને તોડી શકે છે, તેને જોડી શકતી નથી. નડ્ડા દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં ભાજપના ઉમેદવાર રાકેશ દેસાઈની તરફેણમાં ચૂંટણી રેલીને સંબોધિત કરી રહ્યા હતા. વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં નવસારી બેઠક પર 1 ડિસેમ્બરે મતદાન થવાનું છે.
ભારત જોડો યાત્રા પર શું બોલ્યા ભાજપ અધ્યક્ષ?
નડ્ડાએ કહ્યું, ‘મને લાગે છે કે કોંગ્રેસે ભારત જોડો યાત્રા શરૂ કરી છે કે ભારત તોડો યાત્રા. તેના નેતાઓ ભારતને એક કરવાની વાત કરી રહ્યા છે. પરંતુ તેઓ વાસ્તવિક જીવનમાં શું કરે છે? તેમના નેતા રાહુલ ગાંધી દિલ્હીમાં જેએનયુ (જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી)માં ગયા અને તેમને સમર્થન આપ્યું જેઓએ સંસદ હુમલાના માસ્ટરમાઇન્ડ અફઝલ ગુરુના સમર્થનમાં નારેબાજી કરી હતી.’
ગુજરાતમાં ચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. તમામ પક્ષો પોતપોતાની રાજકીય ચાલથી એકબીજાને પછાડવામાં કોઈ કસર છોડી રહ્યા નથી. જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતની ચૂંટણી વધુ રસપ્રદ બની રહી છે. અહીં 182 વિધાનસભા બેઠકો માટે બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન થવાનું છે. જ્યારે ચૂંટણીના પરિણામો 8 ડિસેમ્બરે આવશે.
બીજી તરફ ગુજરાતની ચૂંટણીમાં તમામ પક્ષોએ ચૂંટણી પ્રચાર અને સંચાલનમાં પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. ભાજપ વતી પીએમ નરેન્દ્ર મોદીએ પોતે ચૂંટણી પ્રચારની કમાન સંભાળી છે. કોંગ્રેસ પણ 27 વર્ષ બાદ સત્તામાં પાછા ફરવા માટે તમામ પ્રયાસો કરી રહી છે, પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતમાં બે મોટી રેલીઓને સંબોધિત કરશે, જ્યારે આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ ગુજરાતની અવારનવાર મુલાકાત લઈ રહ્યા છે.