યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશમાં માફિયા રાજના અંતને લઈને સતત એક્શનમાં છે અને આ માટે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શ્રેય આપે છે. આ વિચાર ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોગી આદિત્યનાથને આપ્યો હતો. સીએમ યોગી આદિત્યનાથે તેમના એક ઇન્ટરવ્યૂમાં સ્વીકાર્યું છે કે પીએમ મોદીએ તેમને યુપીમાં માફિયા શાસનનો અંત લાવવાનો વિચાર આપ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં સીએમ યોગી પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ક્રેડિટ આપતા જોવા મળી રહ્યા છે. મુખ્યમંત્રી યોગીનું કહેવું છે કે, પીએમ મોદીએ જ યુપીમાં પોલીસ ફૂટ પેટ્રોલિંગનો વિચાર સૂચવ્યો હતો.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો અનુસાર, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે માફિયા શાસનને ખતમ કરવા અને જનતામાં વિશ્વાસ વધારવા માટે તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઈડિયા આપ્યો હતો. આ પછી તેમણે વડાપ્રધાન મોદીના વિચાર પર કાર્યવાહી કરી અને પરિણામ દેખાઈ રહ્યું છે. ઇન્ટરવ્યૂમાં વાતચીત દરમિયાન, તે કહે છે, ‘ઉત્તર પ્રદેશમાં કામ કરવાનો મારી સામે સૌથી મોટો પડકાર અહીં માફિયા શાસન હતો…કારણ કે અહીં માફિયા શાસન સમાંતર હતું.’
જનતા અને પોલીસ વચ્ચે મૈત્રીપૂર્ણ સંવાદ થશે તો ગુનેગારો સામે પડકાર ઊભો થશે
તેમણે કહ્યું કે, ‘અહીં દીકરીઓ સુરક્ષિત નહોતી. દર ત્રીજા દિવસે રમખાણો થતા. મેં આ મામલો વડાપ્રધાન મોદી સમક્ષ મૂક્યો. તેમણે મને પૂછ્યું કે, તમે કેવા કેવા કામ કરી રહ્યા છો. આ પછી, તેમણે કહ્યું કે, એક બીજું માધ્યમ છે, જે લોકોના મનમાં વિશ્વાસ જગાડી શકે છે, તે છે પોલીસનું ફૂટ પેટ્રોલિંગ. જ્યારે સામાન્ય જનતાના મનમાં આત્મવિશ્વાસ હશે અને સામાન્ય જનતા અને પોલીસ વચ્ચે મૈત્રીપૂર્ણ સંવાદ થશે ત્યારે સૌથી પહેલો પડકાર ગુનેગારો અને માફિયાઓ માટે હશે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, પીએમ મોદીએ તેમને આગળ કહ્યું, ‘આનાથી માફિયાઓ અને ગુનેગારો ડરી જશે.’ સીએમ યોગીએ કહ્યું, ‘આ પછી મેં રાજ્યભરમાં પોલીસ ફૂટ પેટ્રોલિંગ લાગુ કર્યું. અધિકારીથી શરૂ કરીને દરેક પોલીસકર્મીએ ફૂટ પેટ્રોલિંગનો હિસ્સો બનવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આજે તેનું પરિણામ ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાની મજબૂત સ્થિતિ છે. આજે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સર્વશ્રેષ્ઠ છે. તમને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા અતીક અહેમદની હત્યા કરવામાં આવી હતી, જ્યારે મુખ્તાર અન્સારી પર પણ કાનૂની જંગ સખ્ત થઈ રહ્યો છે.
‘હવે યુપીમાં ભયમુક્ત વાતાવરાણ’
ઉલ્લેખનીય છે કે, સોમવારે પણ સીએમ યોગી આદિત્યનાથે સહારનપુરમાં એક જનસભાને સંબોધિત કરતા કહ્યું હતું કે, ‘યુપીમાં માફિયા ભૂતકાળની વાત છે. રાજ્ય હવે સુરક્ષા, સમૃદ્ધિ અને રોજગારનું પ્રતીક બની રહ્યું છે. માફિયાઓનો સામનો કરવા માટે પોલીસ પૂરતી છે. પહેલા દીકરીઓને ભણવા માટે દૂર દૂર જવાની ફરજ પડતી હતી. આ દરમિયાન માતા-પિતાના મનમાં ચિંતા રહેતી હતી. પરંતુ હવે યુપીમાં ભયમુક્ત વાતાવરણ છે.