વડોદરામાં બુલેટ ટ્રેનના નિર્માણ કાર્ય દરમિયાન એક ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી છે. વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કંબોલા નજીક બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેન પડી હતી, જેના કારણે અકસ્માતમાં એક મજૂરનું મોત નીપજ્યું હતું જ્યારે 6 અન્ય ઘાયલ થયા હતા. વડોદરામાં કરજણના કંબોલા પાસે આ ઘટના બની હતી. બુલેટ ટ્રેનના નિર્માણ સ્થળ પર દુર્ઘટનાની માહિતી મળતા જ વહીવટી તંત્રની ટીમો ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કાર્ય શરૂ કર્યું. જોકે, નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) એ હજુ સુધી આ અકસ્માત અંગે કોઈ નિવેદન જારી કર્યું નથી.
ચોકીદારી રાખતી વખતે અકસ્માત
નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NNSRCL)ની દેખરેખ હેઠળ અમદાવાદ અને મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન કોરિડોરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. વડોદરા જિલ્લામાં આવતા કંબોલા ખાતે ગાર્ડ રાખવાની કામગીરી ચાલી રહી હતી. આજે સવારે શ્રમજીવીઓ ક્રેન દ્વારા સામાન ચઢાવવાની કામગીરી કરી રહ્યા હતા. દરમિયાન અચાનક ક્રેન પડી હતી, જેના કારણે ક્રેનની નીચે સાત શ્રમજીવી દબાઇ ગયા હતા.
ક્રેન કેવી રીતે તૂટી એ અંગેની તપાસ
આ દુર્ઘટનામાં એક મજૂરનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય છ ઘાયલ થયા હતા. તમામ ઇજાગ્રસ્તોને સ્થાનિક પ્રશાસને ત્વરિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા છે. ઘટનાની માહિતી મળતા કરજણ પોલીસ અને કરજણ SDM સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. હાલ ક્રેન કેવી રીતે તૂટી એ અંગેની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે, અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કુલ લંબાઈ 508.18 કિમી છે. હાલમાં આ પ્રોજેક્ટમાં બુલેટ ટ્રેનનો ટ્રેક બનાવવાનું કામ ચાલી રહ્યું છે.