વડોદરાની એમ.એસ. યુનિવર્સિટી કોઈ ન કોઈ કારણે હમેશાં ચર્ચામાં રહેતી હોય છે. ત્યારે હવે ફરી એકવાર એમ.એસ. યુનિવર્સિટીમાં હોબાળો થતા ચર્ચામાં આવી છે. માહિતી મુજબ, યુનિવર્સિટીના 800 જેટલા હંગામી કાર્મચારીઓ ધરણાં પર બેઠા છે અને રામધૂન બોલાવી છે. કાયમી કરવાની માગ સાથે હંગામી કર્મચારીઓ દ્વારા ધરણાં પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે.
વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં 800 જેટલા હંગામી કર્મચારીઓ દ્વારા ધરણાં પર બેસી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આ કર્મચારીઓની માગ છે કે વારંવાર રજૂઆત કરવા છતાં પણ કાયમી કરવા અંગે કોઈ નિર્ણય લેવામાં આવતો નથી. આથી તેમની માગનો સ્વીકાર કરવામાં આવે અને હંગામી કર્મચારીઓને કાયમી કરવામાં આવે તે માટે ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. ગુરુવારે એમ.એસ. યુનિવર્સિટી 800 જેટલા હંગામી કર્મચારીઓએ ધરણાં પર બેસી રામધૂન બોલાવી હતી.
બારકોડ સિસ્ટમ બંધ કરી દેતા વિવાદ સર્જાયો
ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા પણ યુનિવર્સિટી વિવાદમાં સપડાઈ હતી. યુનિવર્સિટીમાં અચાનક બારકોડ સિસ્ટમ બંધ કરી દેતા વિવાદ સર્જાયો હતો. આ મામલે ફેકલ્ટી ડિનને વિદ્યાર્થી સંગઠન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. બારકોડ સ્ટિકર ફરી શરૂ કરવામાં આવે તેવી માગ કરી હતી. છેલ્લાં 5 વર્ષથી ચાલતી બારકોડ સિસ્ટમ બંધ કરાતા પેપરની ગુપ્તતા જોખમમાં મુકાઈ હોવાના આરોપ લગાવવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે વિદ્યાર્થી સંગઠન દ્વારા ડીનને રજૂઆત કરાઈ હતી.