બોટાદ જિલ્લામાં આવેલા સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે કિંગ ઓફ સાળંગપુર હનુમાનજીની 54 ફૂટની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. આ પ્રતિમાની નીચે કેટલાક શિલ્પચિત્રો કંડારવામાં આવ્યા છે. જો કે, હવે આ ચિત્રોને લઈ મોટો વિવાદ સર્જાયો છે. આ શિલ્પચિત્રોમાં કષ્ટભંજનદેવ હનુમાનજીને સ્વામિનારાયણ ભગવાનને વંદન કરતા દેખાડવામાં આવ્યા છે, જેને લઈ વિવિધ હિન્દુ સંગઠનો અને સાધુ-સંતો દ્વારા વિરોધ દાખવવામાં આવ્યો છે અને ચિત્રો હટાવવા માગ કરી છે. આ વચ્ચે હવે આ મામલે કથાકાર મોરારી બાપુનું નિવેદન પણ સામે આવ્યું છે.
મૌન ધારણ કરીને બેઠેલા લોકોને મૌન તોડવા કહ્યું
સાળંગપુર હનુમાન મંદિરમાં કિંગ ઓફ સાળંગપુર હનુમાનજીની 54 ફૂટની ભવ્ય પ્રતિમા બનાવવામાં આવી છે. આ મૂર્તિ નીચે કણપીઠમાં કેટલાક શિલ્પચિત્રો કંડારવામાં આવ્યા છે, જેમાં એક ચિત્રમાં સ્વામિનારાયણ ભગવાનને હનુમાનજી પ્રણામ કરતા હોય તેવું દર્શાવવામાં આવ્યું છે. આરોપ છે કે ચિત્રોમાં ભગવાન હનુમાનજીને દાસ તરીકે દર્શાવવામાં આવ્યા છે. આ મામલે વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે અને ચિત્રો હટાવવા માગ કરાઈ છે. આ વચ્ચે જાણીતા કથાકાર મોરારીબાપુનું નિવેદન સામે આવ્યું છે. તેમણે મૌન ધારણ કરીને બેઠેલા લોકોને મૌન તોડવાની વાત કરી હતી.
‘સમગ્ર વિરોધ નિરર્થક છે’
મીડિયા અહેવાલ અનુસાર, મોરારીબાપુએ પોતાની કથા દરમિયાન સાળંગપુર હનુમાનજી શિલ્પચિત્ર વિવાદ અંગે મૌન ધારણ કરીને બેઠેલા લોકોને મૌન તોડવાની વાત કરી હતી. ઉપરાંત, આ મામલે જ્યોર્તિનાથ મહારાજે યોગ્ય કાર્યવાહી કરવા માગ કરી છે. જ્યારે બીજી તરફ આ વિવાદ અંગે સંસ્થાના કલ્પવૃક્ષ સ્વામીએ કહ્યું કે, સમગ્ર વિરોધ નિરર્થક છે. ભગવાનના માતા-પિતા અને ભગવાનના હનુમાનજી દર્શન કરે તેમાં ખોટું શું છે. માહિતી છે કે, વિવાદ વધતા હાલ મંદિર પ્રશાસને પીળુ કપડું ઢાંકી વિવાદનો અંત લાવવાની કોશિશ કરી છે. જ્યારે કેટલાક હિન્દુ સંગઠનો અને સાધુ-સંતોએ આ ચિત્રો હટાવી અને સનાતન ધર્મનું અપમાન કરવા બદલ મંદિર પ્રશાસને માફી માગવી જોઈએ તેવી માગ કરી છે. અહેવાલ અનુસાર, આ મામલે સિહોર પોલીસ મથકમાં અરજી પણ કરવામાં આવી છે.