ગુજરાત રાજ્યના મોટાભાગના શહેરોમાં લોકો આકરા ઉનાળાનો સામનો કરી રહ્યા છે. સુરતમાં પણ લોકો આગ ઝરતી ગરમીમાં શેકાઈ રહ્યા છે. ત્યારે લોકો ગરમીથી રાહત મેળવવા માટે ઠંડા પીણા, આઇસક્રીમ અને ગોલાની સહારો લેતા હોય છે. ઉનાળાની ઋતુમાં ઠેર ઠેર બરફગોળાના સ્ટોલ જોવા મળે છે. લોકો પણ કાળઝાળ ગરમીમાં ઠંડક મેળવવા માટે બરફગોળાની મજા માણતા હોય છે. પરંતુ, સુરત ફૂડ વિભાગ દ્વારા બરફગોળાને લઈ કરવામાં આવેલી કાર્યવાહીમાં ચોકાવનારા તારણ સામે આવ્યા છે.
મીડિયા અહેવાલ મુજબ, ગયા મહિને સુરતના ફૂડ વિભાગ દ્વારા કેટલાક બરફગોળાની દુકાન અને આઇસ્ક્રીમ સેન્ટર પરથી સેમ્પલો લેવામાં આવ્યા હતા, જેમાંથી 8 નમૂના ફેલ થયા હોવાના સમાચાર છે. નમૂના ફેલ થતા વિભાગ દ્વારા જે તે સંચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવશે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ જયભવાની ગોલા ડીશમાં ક્રીમના નમૂના, ઘોડદોડ વિસ્તારમાં જીબી ફૂડ્સના રોયલ ચોકલેટના નમૂના ખામીયુક્ત હોવાનું સામે આવ્યું છે.
ફૂડ વિભાગ દ્વારા લેવાયેલા સેમ્પલ પૈકી 8 નમૂના ફેલ ગયા છે. વિભાગ દ્વારા જે તે સંચાલક સામે ફરિયાદ કરવાની કાર્યવાહી હાથ ધરાશે. બરફગોળામાં વપરાયેલા રંગો અખાધ્ય અને આઇસ્ક્રીમમાં પામ ઓઇલ જેવા પદાર્થો વપરાતા હોવાનું સામે આવ્યું છે. જો કે, આ ખાનારાઓનું હવે શું તે પ્રશ્ન લોકોને સતાવી રહ્યો છે.