વિનાશક વાવાઝોડાના કારણે વીજપુરવઠાને મોટું નુકસાન થવા પામ્યું છે. ત્યારે કચ્છ, સૌરાષ્ટ્રમાં તેમજ અન્ય વિસ્તારોમાં થયેલા નુકસાનના કારણે ઉર્જા વિભાગને કરોડોનું નુકસાન થવા પામ્યું છે.
ઉર્જા વિભાગને 900 કરોડનું નુકસાન વિનાશક વાવાઝોડાના કારણે થયું છે. તેમાં પણ 8 જિલ્લાઓ કે જ્યાં બિપોરજોયની સૌથી વધુ અસર થઈ હતી તેવા કચ્છ અને સૌરાષ્ટ્રમાં નુકસાની વધુ છે. ત્યારે ગઈકાલે આ મામલે રુબરુ જઈને કચ્છ વિસ્તારની મુલાકાત ખુદટ ઉર્જા મંત્રી કનુ દેસાઈએ કરી હતી. ત્યારબાદ તેમણે મહત્વની બેઠક પણ યોજી હતી.
અંજારની પ્રાંત કચેરી ખાતે ‘બિપોરજોય’ વાવાઝોડા સંદર્ભે આયોજિત બેઠકમાં ઉપસ્થિત રહી, વિવિધ વિભાગના પદાધિકારીઓ સાથે મહત્વપૂર્ણ મુદ્દાઓ વિશે ચર્ચા કરી, જરૂરી સૂચનો આપ્યા હતા.
આ બેઠકમાં સાંસદ વિનોદ ચાવડા, અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, સંગઠનના હોદ્દેદારઓ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.
ઉર્જા પ્રધાન કનુ દેસાઈએ બેઠક દરમિયાન કહ્યું હતું કે, 4945 જેટલા ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. 4,703 ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત બાકી 242 ગામોમાં રાત્રે 12 વાગ્યા સુધીમાં વીજ પુરવઠો ફરી શરુ કરાશે. બાગાયતી પાકોને પણ વાવાઝોડા અને વરસાદમાં નુકસાન થયું હોવાથી આ મામલે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી, જેથી તેમને પણ આગામી સમયમાં સહાય પેકેજ જાહેર કરવામાં આવશે. વીજપુરવઠો બંધ કરવામાં આવ્યો હતો અથવા ખોરવાયો હતો તે આજે રાત સુધીમાં ફરી શરુ કરવામાં આવશે.