દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેના વચ્ચેની ખેંચતાણ અટકવાનું નામ નથી લઈ રહી. સીએમ અરવિંદ કેજરીવાલે પ્રગતિ મેદાન ટનલની અંદર વેપારી પાસેથી થયેલી લૂંટના સીસીટીવી ફૂટેજ શેર કરતા રાજ્યની કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉઠાવ્યા છે. કેજરીવાલે કહ્યું કે, એલજીએ રાજીનામું આપવું જોઈએ. તમને જણાવી દઈએ કે દિલ્હી સરકારમાં કાયદો અને વ્યવસ્થા લેફ્ટનન્ટ ગવર્નરના અધિકાર ક્ષેત્રમાં આવે છે.
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે તેમના ટ્વિટર હેન્ડલ પર 24 જૂન (શનિવાર) ના રોજ પ્રગતિ મેદાન ટનલની અંદર એક વેપારી પાસેથી લૂંટના CCTV ફૂટેજ શેર કર્યા હતા. એલજી પર નિશાન સાધતા તેમણે ટ્વીટ કર્યું- ‘એલજીએ રાજીનામું આપવું જોઈએ. કોઈ એવી વ્યક્તિને જવાબદારી સોંપવી જોઈએ જે દિલ્હીના લોકોને સુરક્ષા આપી શકે. જો કેન્દ્ર સરકાર દિલ્હીને સુરક્ષિત ન બનાવી શકે તો તેને અમને સોંપી દો. અમે તમને બતાવીશું કે શહેરને તેના નાગરિકો માટે કેવી રીતે સુરક્ષિત બનાવવું.
પ્રગતિ મેદાન ટનલમાં કેવી રીતે થઈ લૂંટ?
ગુજરાતના મહેસાણામાં રહેતા સાજન કુમારનો ચાંદની ચોકમાં સોના-ચાંદીના દાગીનાનો બિઝનેસ છે. ગુરુગ્રામ સ્થિત એક ફર્મને બે લાખ રૂપિયા આપવા માટે તે શનિવારે બપોરે કેબમાં જઈ રહ્યા હતા. સાથી જિતેન્દ્ર પટેલ પણ તેમની સાથે હતા. શનિવારે સાંજે લગભગ 3થી 4 વાગ્યાના સુમારે વેપારીઓ રિંગરોડથી પ્રગતિ મેદાન ટનલ થઈને ઈન્ડિયા ગેટ તરફ જઈ રહ્યા હતા. આથી બે બાઇક પર સવાર ચાર બદમાશોએ તેમની કારને આંદરી હતી અને પૈસા ભરેલી બેગ આંચકી લીધી હતી. આ ઘટના પહેલા ગયા અઠવાડિયે જ સીએમ કેજરીવાલ અને એલજી સક્સેનાએ એક બીજાને કાયદો અને વ્યવસ્થા પર પત્ર લખીને અનેક આરોપો અને વળતા આક્ષેપો કર્યા હતા.