મણિપુરમાં વંશીય હિંસા વચ્ચે, એક વાયરલ વિડિયો પર સમગ્ર દેશમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં પુરુષોનું એક ટોળું રસ્તા પર બે મહિલાઓને નિર્વસ્ત્ર કરી માર મારતું અને શારિરીક શોષણ કરતું જોવા મળી રહ્યું છે. એટલું જ નહીં આ મહિલાઓ પર સામૂહિક બળાત્કાર પણ ગુજારવામાં આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. માનવતાને શરમાવે તેવા આ વીડિયોને લઈને દેશના ખૂણે-ખૂણેથી લોકો રોષે ભરાયા છે. મણિપુરમાં આ કૃત્ય સામે બોલિવૂડ સ્ટાર્સે પણ હોબાળો મચાવ્યો છે. અક્ષય કુમારથી લઈને ઉર્મિલા માતોંડકર, સંજય દત્ત, કિયારા અડવાણી, એકતા કપૂર, જયા બચ્ચન જેવા ઘણા સ્ટાર્સે આ ઘટના પર પ્રતિક્રિયા આપી છે અને હવે પ્રિયંકા ચોપરાએ પણ આ મામલે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.
મણિપુરની આ શરમજનક ઘટના પર અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે. તેણીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોતાની નારાજગી વ્યક્ત કરતા તેણે ઘણી બધી વાતો કહી છે અને ગુનેગારોને સજાની માગ કરી છે. પ્રિયંકાએ લખ્યું છે કે, ‘આ જઘન્ય અપરાધને અંજામ આપ્યાના 77 દિવસ પછી, તેના પર કાર્યવાહી કરતા પહેલા આ વીડિયો વાયરલ થઈ ગયો. આ પાછળનું તર્ક શું છે? આનું કારણ શું છે? શું અને કેમ, પરિસ્થિતિઓ અને સંજોગોને ધ્યાનમાં લીધા વિના, અમે કોઈપણ સંજોગોમાં મહિલાઓને કોઈપણ પ્રકારની રમતમાં પ્યાદા બનવાની મંજૂરી આપી શકતા નથી.
પ્રિયંકાએ મણિપુરની ઘટનામાં ન્યાયની માગ કરી
પ્રિયંકાએ આગળ લખ્યું કે, ‘આ આપણા બધા માટે ખૂબ જ શરમજનક છે અને આપણે આપણા ગુસ્સાને એક જ અવાજ આપવાની જરૂર છે કે આ ઘટનામાં તરત જ ન્યાય મળવો જોઈએ.’ પ્રિયંકાએ આ પોસ્ટ સાથે કેટલાક હેશટેગ્સ શેર કર્યા છે જેમાં #togetherinshame અને #justiceforthewomenofManipurનો સમાવેશ થાય છે.