પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ – પી.એમ કિસાન યોજના હેઠળ વાર્ષિક રૂ ૬૦૦૦ લેખે સહાયની રકમ સીધી લાભાર્થી ખેડુતોના બેંક ખાતામાં જમા કરાવવામાં આવે છે. અમુક
લાભાર્થીઓના બેંક ખાતાની વિગતો અધુરી અથવા ક્ષતિવાળી હોવાથી, આઇ.એફ.એસ.સી કોડ નંબર બદલાવાના કારણસર અથવા બેંક મર્જ થવાના કારણસર ઘણા લાભાર્થીઓની સહાય બેંક ખાતામાં સમયસર જમા થતી નથી, જેના નિવારણ સારૂ તથા સમયસર તમામ લાભાર્થી ખેડુતોના ખાતામાં સહાય જમા થાય તેવા શુભ ઉદ્દેશથી ભારત સરકાર દ્વારા પી.એમ કિસાન યોજના અંતર્ગત તમામ લાભાર્થીઓ માટે ‘’e-KYC’’ કરાવવું અનિર્વાય કરવામાં આવેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ જીલ્લામાં કુલ- ૨૧૧૨૬૮ એકટીવ ખેડુતો પૈકી, કુલ- ૫૪૮૨૦ જેટલા ખેડુતોને ઇકેવાયસી કરવાની કામગીરી બાકીમાં છે. જેને ધ્યાને લઇ,
જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આગામી સપ્ટેમ્બર – ૨૦૨૩ માસ માટે રીલીઝ થનાર ૧૫ મા હપ્તાના સહાયની રકમ તમામ લાભાર્થીઓના બેંક ખાતામાં જમા થાય તે હેતુસર, અમદાવાદ જીલ્લામાં જમીન ધરાવતા હોય અને પી.એમ કિસાન યોજનામાં ‘e-KYC’ બાકી હોય તેવા તમામ લાભાર્થીઓને ‘e-KYC’ કરાવવા અનુરોધ કરવામાં આવે છે.
પેન્ડીંગ યાદી ગ્રામ્ય કક્ષાએ ગ્રામસેવક / સી.એસ.સી સેન્ટર / વી.સી.ઇ ને ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે તથા લાભાર્થી પોતાનું સ્ટેટસ પી.એમ કિસાન વેબસાઇટ pmkisan.gov.in/BeneficiaryStatus.aspx પર આધાર કાર્ડના આધારે જાણી શકે છે. ‘e-KYC’ ની કામગીરી કરવા માટે લાભાર્થીએ પોતાનું આધાર કાર્ડ તથા મોબાઇલ/ સાથે ગ્રામ્ય કક્ષાએ વી.સી.ઇ / કોમન સર્વિસ સેન્ટર (સી.એસ.સી) ખાતે જઈને ‘e-KYC’ ની કામગીરી પૂર્ણ કરવા વહીવટી તંત્ર તરફથી નમ્ર અનુરોધ કરવામાં આવે છે.
આ ઉપરાંત, જે લાભાર્થી ખેડૂતોના આધાર કાર્ડ પોતાના મોબાઇલ નંબર સાથે લીંક થઇ ગયેલ હોય તેવા ખેડૂતો જાતે ઘરેથી જ અથવા ઇન્ટરનેટ જાણકાર વ્યકિત દ્વારા
https://pmkisan.gov.in/ વેબસાઇટ પર જઇ ‘e-KYC’ ઓપ્શન પર જઇ વિગતો અપડેટ કરી શકે છે તથા ફેસ ઓથેન્ટીકેશન વેબસાઇટ ડાઉનલોડ કરી પોતાની જાતે ‘’e-KYC’ સ્ટેટસ અપડેટ કરી શકે છે.
ભારત સરકાર દ્વારા પી.એમ કિસાન યોજનાનો લાભ આધાર બેઝડ ડીબીટી મારફત જ આપવાનું નકકી કરવામાં આવ્યું હોવાથી લાભાર્થીઓને તેઓ જે બેન્કમાં બેન્ક ખાતુ ધારણ
કરતા હોય તે બેન્કની શાખામાં રૂબરૂ મુલાકાત લઇ આધાર સીંડીંગ તેમજ UID ENABLE ની કાર્યવાહી પૂર્ણ કરવા અનુરોધ કરવામાં આવે છે. જેથી આ કારણસર સહાય મળવાની બંધ થયેલ હોય તો તે સહાય મળવાની ચાલુ થઇ શકે. આ સિવાય ‘’e-KYC’’ માટે નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC), મામલતદાર કચેરી, પોસ્ટ ઓફીસનો મુલાકાત લઇ ઇકેવાયસી કરી શકાય છે.