વર્ષ 2023માં કુલ ચાર ગ્રહણ થવાના હતા, જેમાંથી 14 ઓક્ટોબરે ત્રીજું ગ્રહણ થવાનું છે. આ ગ્રહણ વર્ષનું બીજું સૂર્યગ્રહણ હશે અને તેને ‘રિંગ ઓફ ફાયર’ પણ કહેવાય છે. નિષ્ણાતો મુજબ, જ્યારે પણ વલયાકાર સૂર્યગ્રહણ થાય છે ત્યારે રિંગ ઓફ ફાયરનો આ અદ્ભુત નજારો જોવા મળે છે. જ્યારે ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચેથી પસાર થાય છે, ત્યારે આ સૂર્યગ્રહણ થાય છે. આ ગ્રહણમાં આકાશમાં સૂર્યનો માત્ર બહારનો ભાગ જ દેખાય છે અને વચ્ચેનો ભાગ ચંદ્રથી ઢંકાયેલો છે. આ કારણે એવું લાગે છે કે જાણે આકાશમાં આગની રિંગ એટલે કે રિંગ ઓફ ફાયર દેખાય છે.
આ વર્ષનું બીજું સૂર્યગ્રહણ
14 ઓક્ટોબર, શનિવારના રોજ આ વર્ષનું બીજું ગ્રહણ થઈ રહ્યું છે. આ સૂર્યગ્રહણ અમેરિકા, દક્ષિણ-મધ્ય અમેરિકા અને મેક્સિકો સહિત ઘણા દેશોમાંથી જોઈ શકાશે. વલયાકાર સૂર્યગ્રહણ ઓરેગોન કોસ્ટથી ટેક્સાસ ગલ્ફ કોસ્ટ સુધી વિસ્તરશે, આથી લાખો લોકો આ દુલર્ભ નજારો જોઈ શકશે. નાસા અનુસાર, જો હવામાન સારું રહેશે, તો આ વલયાકાર સૂર્યગ્રહણ ઓરેગોન, ઉટાહ, નેવાડા, ટેક્સાસ અને ન્યુ મેક્સિકો તેમ જ કેલિફોર્નિયા, કોલોરાડો, ઇડાહો અને એરિઝોનાના ભાગોમાંથી પણ જોઈ શકાશે. ત્યાર બાદ તે મેક્સિકો, મધ્ય અને દક્ષિણ અમેરિકામાંથી પણ જોઈ શકાય છે. આ સૂર્યગ્રહણનો સરેરાશ સમય અમેરિકામાં 4થી 5 મિનિટની વચ્ચે રહી શકે છે.
ભારતમાં દેખાશે રિંગ ઓફ ફાયર?
રિંગ ઓફ ફાયર એટલે કે વલયાકાર સૂર્યગ્રહણ ભારતમાંથી દેખાશે નહીં. જો કે, નાસાની એક ચેનલ પર ભારત અને અન્ય દેશોના લોકો ઘરે બેઠા આ સૂર્યગ્રહણ જોઈ શકશે. દર્શકો 14 ઓક્ટોબરે સાંજે 4:30થી આ સૂર્યગ્રહણ ઓનલાઈન જોઈ શકે છે.
(Disclaimer: પ્રિય વાચકોં, અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમેં તેની પુષ્ટિ કરતું નથી.)