પઠાણ ફિલ્મનો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. દરરોજ કોઈને કોઈ નવો વિવાદ સામે આવી રહ્યો છે. શાહરૂખની આગામી ફિલ્મ પઠાણને લઈને સોશિયલ મીડિયા પર બૉયકૉટ કેમ્પેઇન પણ સતત ચલાવવામાં આવી રહ્યું છે. બેશરમ રંગ ગીતથી પઠાણની મુસીબતોની શરૂઆત થઈ હતી. ત્યારથી વિવાદ શરૂ થયો છે. આ દરમિયાન ફરી એકવાર એક વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. શાહરૂખ ખાનને લઈને એક સંતે વિવાદિત નિવેદન આપ્યું છે.
શાહરૂખ ખાનને જીવતો સળગાવી દેશે
અયોધ્યાના સંત જગતગુરુ પરમહંસ આચાર્યએ ખાનને ધમકી આપી છે. તેમણે કહ્યું કે તેઓ શાહરૂખની ચામડી ઉખેડી નાખશે. સંતે શાહરૂખ ખાનની પઠાણ ફિલ્મનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે આ ફિલ્મમાં ભગવા રંગનું અપમાન કરવામાં આવ્યું છે. આચાર્યએ કહ્યું કે હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાની આ એક સુનિયોજિત રણનીતિ છે, લોકોએ તેને પૈસા કમાવવાનો ધંધો બનાવી દીધો છે. આ ફિલ્મ જેહાદ છે, સ્ટ્રેટેજી તૈયાર કરીને કરવામાં આવી છે, તેથી આજે અમે શાહરૂખ ખાનનું પોસ્ટર સળગાવી દીધું છે અને હું તેને શોધી રહ્યો છું, જે દિવસે શાહરૂખ ખાન મળી ગયો, હું તે જેહાદીને જીવતો સળગાવી દઈશ.
પયગંબર મોહમ્મદની જીવનચરિત્ર પર આધારિત ફિલ્મ બનાવી બતાવે
સંતે કહ્યું કે મારા લોકો મુંબઈમાં તેને શોધી રહ્યા છે. તેમણે કહ્યું કે જો કોઈ હિંદુ સિંહ સળગાવી દેશે તો હું તેના પરિવારને આર્થિક મદદ કરીશ. આચાર્યએ કહ્યું કે શાહરૂખ ખાનનો ધર્મ ઇસ્લામ છે. આજ સુધી તેણે પોતાના ધર્મ પર ન તો કોઈ વેબ સિરીઝ બનાવી છે કે ન તો કોઈ ફિલ્મ બનાવી છે. હું શાહરૂખને પડકાર આપું છું કે તે હલાલા પર બનાવી બતાવે, ટ્રિપલ તલાક પર બનાવી બતાવે, પયગંબર મોહમ્મદના જીવનચરિત્ર પર બનાવે, ખબર નહીં 5 મિનિટમાં કેટલા ટુકડા થઈ જશે, કોઈ ગણી શકશે નહીં. આ સાથે જ સંતે શાહરૂખ ખાન ઉપરાંત સલમાન ખાન અને આમિર ખાન પર નિશાન સાધ્યું હતું.