(પોષણકર્મીઓની ગંભીર નિષ્કાળજી જોવા મળતા તાબડતોબ ફરજમુક્ત કરાયા)
દાહોદ: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી બાદ નવા મંત્રીપદની જવાબદારી સોંપ્યા બાદ હવે દરેક મંત્રી પોતપોતાના વિભાગના કામોમાં કાર્યશીલ થયેલા છે અને વિકાસના કામો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહેલ છે. મળતી માહિતી મુજબ ગુજરાતના દાહોદ જિલ્લામાં રાજ્યમંત્રી શ્રી બચુભાઇ ખાબડ તેમજ અધિકારીશ્રીઓ દ્વારા વિવિધ આંગણવાડી કેન્દ્રોની આકસ્મિક મુલાકાત લેતા પોષણકર્મીઓની ગંભીર નિષ્કાળજી જોવા મળતા તેમને તાબડતોબ ફરજમુક્ત કરાયા છે અને પગાર સહિતના લાભો સ્થગિત કરાયા છે.
પંચાયત કૃષિ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી બચુભાઈ ખાબડે ગત તા. ૨૪ ના રોજ દેવગઢ બારીયા તાલુકાના ઘટક-૩ ના કેળકુવા માજી સરપંચ ફળિયા આંગણવાડી કેન્દ્રની આકસ્મિક મુલાકાત લીધી હતી. જેમાં મુલાકાત દરમ્યાન ઘણી બધી ગંભીર ક્ષતીઓ જોવા મળી હતી. આંગણવાડી કાર્યકર તેડાગર બંને ગેરહાજર હતા. તેમજ ચાર દિવસથી એક પણ બાળક કેન્દ્ર પર આવેલ નથી તથા મુલકાત દરમ્યાન બે બાળકો જ હાજર જોવા મળ્યા હતા અને બાળકો માટે નાસ્તો પણ બનાવાયો નહોતો.
લાભાર્થીઓને સરકારશ્રી તરફથી મળતા લાભ, વસ્તુ, નાસ્તો લાભાર્થી સુધી પહોંચતો નથી. બાલ શક્તિ, માતૃ શક્તિ,પૂર્ણા શક્તિ પીપમાં રખાયા હતા. અનાજનો જથ્થો સાફ કર્યા વગર જોવા મળ્યો હતો. તેમજ દાળ, ચણાના પેકેટ વિતરણ કરેલ ન હતા. જે ખુબ જ ગંભીર બાબત છે, કાર્યકર કેન્દ્રના બદલે મનસ્વી રીતે અનાજનો જથ્થો પોતાના ઘરે રાખેલ હતો. સાફ સફાઈનો અભાવ જોવા મળ્યો છે. રેકર્ડ રજીસ્ટર જોવા મળ્યા નથી. તેમજ અસ્તવ્યસ્ત હાલતમાં જોવા મળ્યા હતા. મંત્રીશ્રીની મુલાકાત બાદ આ કર્મચારીઓ ઉપર તાત્કાલિક ફરજમુક્તિ સહિતના કડક પગલા લેવાયા છે.
જિલ્લા પ્રોગ્રામ ઓફિસરશ્રી દ્વારા પણ ગત તા.૨૧ ના રોજ દાહોદ તાલુકાની દાહોદ ઘટક-૧ ની બાવકા-૧ તથા મુવાલિયા-૩ ની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી. જે મુલાકાતદરમ્યાન પણ આ મુજબની ક્ષતીઓ જોવા મળી હતી. આંગણવાડી કેન્દ્રમાં લાભાર્થીની ખોટી હાજરી પૂરીને ખોટા બીલો પાસ કરાવેલ છે. પોષણ સુધા યોજનાના પ્રતિ લાભાર્થી દીઠ રૂ.૨૭/- તથા ૩ થી ૬ વર્ષના પ્રતિ બાળકોના રૂ. ૫.૧૦/- ના બીલો બનાવાયા છે.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી નેહા કુમારીએ ઉક્ત કર્મચારીઓ ઉપર કડકમાં કડક પગલા લેવા સુચના મુજબ જિલ્લા પ્રોગ્રામ ઓફિસરશ્રી દ્વારા સી.ડી.પી.ઓ.ને મુખ્ય સેવિકા, આંગણવાડી કાર્યકર તેમજ તેડાગરને તેમની ફરજ પરની નિષ્કાળજી બદલ નોટીસ આપી સાધનિક પુરાવા સાથે રૂબરૂ ખુલાસો રજુ કરવા માટે જાણ કરાઇ છે અને આ કન્દ્રો ના કાર્યકર તેડાગર ના સંતોષ કારક જવાબ ના મળે ત્યાં સુધી તેમને ફરજ મુક્ત કરી તેમનો પગાર સ્થગિત કરવામાં આવ્યો છે તેવી માહિતી દાહોદનાં જિલ્લા પોગ્રામ ઓફિસરશ્રીએ આપેલ છે.
રિપોર્ટર: અક્ષયકુમાર દિનેશભાઈ પરમાર, ગુજરાત પહેરેદાર – દાહોદ.