સ્થાનિક ભાષામાં ‘ઘોડાજીરૂ’ તરીકે ઓળખાતો ઇસબગુલ ભારતમાં ખેતી હેઠળના તમામ ઔષધીય પાકોમાં સૌથી વધુ વિસ્તાર ધરાવતો અતિ મહત્વનો પાક છે. સમગ્ર વિશ્વમાં ભારત એ ઇસબગુલ જેવા ઔષધીય પાકનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. ઇસબગુલ પાકના પ્રોસેસિંગમાં ગુજરાત સમગ્ર ભારતમાં મોખરાના સ્થાન પર છે. ભારતના કુલ ઇસબગુલના ઉત્પાદનનું 90% પ્રોસેસિંગ ગુજરાતમાં કરવામાં આવે છે. તેના પ્રોસેસિંગના એકમો સિદ્ધપુર અને ઊંઝા ખાતે કાર્યરત છે. ઊંઝા અને તેની આસપાસના વિસ્તારોમાં લગભગ 25 જેટલા ઇસબગુલ પ્રોસેસિંગ યુનિટ્સ વિકસિત કરવામાં આવ્યા છે.
ઇસબગુલ એ સૌથી વધુ વિદેશી હૂંડિયામણ કમાવી આપતો ઔષધીય પાક છે અને ભારતના કુલ ઇસબગુલના ઉત્પાદનના 93% ઉત્પાદનની નિકાસ સમગ્ર વિશ્વમાં કરવામાં આવે છે, જેમાં અમેરિકા ભારત પાસેથી સૌથી વધુ માત્રામાં ઇસબગુલ ખરીદે છે. ત્યારબાદ ભારત પાસેથી સૌથી વધુ ઇસબગુલ ખરીદનારા દેશોમાં જર્મની, ઇટલી, યુકે અને કોરિયાનો સમાવેશ થાય છે. જોકે, વિશ્વના અનેક દેશોમાં ભારતમાંથી ઇસબગુલની નિકાસ કરવામાં આવે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત કૃષિ ક્ષેત્રે વિકાસ કરી રહ્યું છે. મુખ્યમંત્રીના દિશાનિર્દેશનમાં રાજ્ય સરકારની બાગાયત અને ઔષધીય પાકો માટેની પ્રોત્સાહક નીતિઓના પરિણામે ગુજરાતમાં બાગાયતી અને ઔષધીય પાકોના વાવેતર અને ઉત્પાદનમાં સતત વધારો થઈ રહ્યો છે. આ ઉપરાંત, ગુજરાત સરકારની પ્રોત્સાહક ઉદ્યોગનીતિ તેમજ એગ્રો ઇન્ડસ્ટ્રીઝની નીતિઓના કારણે કૃષિ ઉત્પાદનોના પ્રોસેસિંગમાં અને તેમની નિકાસમાં પણ વધારો થઈ રહ્યો છે.
ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષોમાં ઇસબગુલનું ઉત્પાદન બમણું થયું આ ઇસબગુલના ઉત્પાદનમાં ગુજરાત દેશના અગ્રણી રાજ્યોમાં સ્થાન ધરાવે છે. વર્ષ 2018- 19માં રાજ્યમાં ઇસબગુલનો કુલ વાવેતર વિસ્તાર 6754 હેક્ટર અને કુલ ઉત્પાદન 6817 મેટ્રિક ટન હતું, તેની સામે વર્ષ 2022-23માં કુલ વાવેતર વિસ્તાર 13,303 હેક્ટર અને કુલ ઉત્પાદન 12,952
મેટ્રિક ટન થયું છે. આમ, છેલ્લા પાંચ વર્ષોમાં ગુજરાતમાં ઇસબગુલનો વાવેતર વિસ્તાર અને તેનું ઉત્પાદન લગભગ બમણું થયું છે.
ગુજરાતમાં બનાસકાંઠા ઇસબગુલનો સૌથી મોટો ઉત્પાદક જિલ્લો ગુજરાતમાં બનાસકાંઠામાં ઇસબગુલનું સૌથી વધુ એટલે કે 47% ઉત્પાદન થાય છે, ત્યારબાદ કચ્છમાં 34%, મહેસાણામાં 10% અને જૂનાગઢમાં 5% ઇસબગુલનું ઉત્પાદન થાય છે. આ સાથે ગુજરાતમાં ઇસબગુલના કુલ ઉત્પાદનના 96% ઉત્પાદન આ ચાર જિલ્લાઓમાં થાય છે.
એશિયાના સૌથી મોટા APMC ખાતે ઇસબગુલની આવકમાં વધારો ઊંઝાની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) ખાતે છેલ્લા પાંચ વર્ષોમાં ઇસબગુલની
આવકમાં પણ વધારો થયો છે. વર્ષ 2018-19માં ઊંઝાની એપીએમસી ખાતે 65, 413 મેટ્રિક ટન ઇસબગુલની આવક હતી, જે વર્ષ 2022-23માં વધીને 87,050 મેટ્રિક ટન થઈ છે. ઉલ્લેખનીય છે કે ઊંઝાનું ગંજ બજાર એશિયાનું સૌથી મોટું ગંજ બજાર છે, જે ઇસબગુલ, જીરૂ અને વરિયાળીના પાક માટે પ્રખ્યાત છે.