વડોદરામાં એશિયાના સૌથી મોટો વિન્ટેજ કાર શો યોજાશે, સુરતના નવાબની કાર આકર્ષણનું કેન્દ્ર બનશે સચિનના નવાબની રી-સ્ટોરેડ જીપ પ્રદર્શિત કરાશે
જાન્યુઆરી-2023 દરમિયાન વડોદરાના લક્ષ્મી વિલા પેલેસ ખાતે એશિયાનો સૌથી મોટો વિંટેજ કાર-શો યોજાવા જઈ રહ્યો છે. આ વિંટેજ કાર-શોમાં સચિનના નવાબ દ્વારા રી-સ્ટોર કરાયેલી વિંટેજ જીપ (કાર) પ્રદર્શનમાં મૂકાવા માટે પસંદગી પામી છે. જોકે, આ કારના મૂળ માલિક કપિલ આર. આહિર શહેરના એડવોકેટ છે. આ બન્ને જીપ (કાર) વર્ષ-1941થી 1945 દરમિયાન વર્લ્ડ વોરમાં યુ.એસ આર્મી દ્વારા વાપરવામાં આવી હતી.
આગામી 6, 7, અને 8 એમ ત્રણ દિવસ માટે ગુજરાતના વડોદરા શહેરના લક્ષ્મીવિલા પેલેસ ખાતે એશિયાનો સૌથી મોટો વિંટેજ કાર-શો યોજાવા જઈ રહ્યો છે. જેમાં સુરતની વીલીસ સ્લેટ ગ્રીન (એમ.બી) અને ફોર્ડ કંપનીની એમ બે જીપ કાર છે. આ બન્ને કારને સચિનના નવાબ ફૈસલખાન દ્વારા રી સ્ટોર કરી છે. જેમાં તેમની ટીમના અલગ-અલગ 5 વ્યક્તિઓ 7વર્ષથી મહેનત કરી રહ્યાં હતાં. નવાબ ફૈસલખાન જણાવે છે કે, આ જીપકારનો ઉપયોગ 1941થી 1945 દરમિયાન યુ.એસ આર્મી (ડિફેન્સ) દ્વારા કરાતો હતો
અને આ જીપ કાર બનાવવા માટે વીલીસ અને ફોર્ડ બે કંપનીઓ બનાવતી હતી. પાંચ વર્ષ ચાલેલાં વર્લ્ડ વોરમાં આ બન્ને કંપનીઓએ 5.70 લાખ જેટલી આ મોડેલની કારો બનાવી હતી. જેની ખાસીયત પણ અનેક ગણી છે. પાંચ વર્ષ બાદ આ જીપનું મેન્યુફેક્ચર બંધ કરી દેવાયું હતું. આ જીપને આજે રી સ્ટોર કરવામાં સાત વર્ષ જેટલો લાંબો સમય લાગ્યો છે. આ કારમાં જે સામાન હોવો જોઈએ તે જ નાંખવામાં આવ્યો છે. જે સામાન યુ.એસ કંપનીનો હતો. તેને ત્યાંથી જ ઈમ્પોર્ટ કરાયો છે અને સ્વાભાવિક છે કે,
આટલાં સમય સુધી જવલ્લેજ કોઈ પાસે જૂની ગાડીઓનો સામાન હોઈ શકે! નોંધનીય છે કે, સચિનના નવાબ ફૈસલખાન પાસે વિંટેજ કારોનું મોટું કલેક્શન છે. ગાડીઓના શોખીનની શ્રેણીમાં આવતાં નવાબ ફૈસલખાનના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ આ બન્ને જીપ તૈયાર કરવામાં આવી છે.