પાવર ટ્રેડિંગ કંપની PTC ઈન્ડિયા લિમિટેડને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગૌતમ અદાણી આ કંપનીનો હિસ્સો ખરીદી શકે છે.
રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે અદાણી પીટીસી ઈન્ડિયા (PTC India Ltd) અને તેના બિઝનેસ વિશે વિગતોની તપાસ કરી રહી છે. એટલું જ નહીં, રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે અદાણી ભાગેદારી માટે બોલી લગાવી શકે છે. અદાણીની સાથે સાથે દેશના અન્ય બિઝનેસ ગ્રુપ પણ તેમાં રસ દાખવી રહ્યાં છે. બિઝનેસ ગ્રુપ પણ પોતાના સ્તરેથી કંપનીના બિઝનેસ સાથે જોડાયેલી માહિતી એકત્ર કરી રહ્યા છે.
પીટીસી ઈન્ડિયામાં ભારત સરકારની નિયંત્રણવાળી એનટીપીસી લિમિટેડ (NTPC Ltd), એનએચપીસી લિમિટેડ (NHPC Ltd), પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (Power Grid Corp. of India) અને પાવર ફાઈનાન્સ કોર્પ (PFC) કંપનીઓની 4-4% ભાગેદારી છે. આ તમામ કંપનીઓ તેમનો હિસ્સો વેચવાની પ્રક્રિયામાં છે અને આ મહિનાના અંત સુધીમાં બધું નક્કી કરવામાં આવશે.
નોંધનીય છે કે જો અદાણી ગ્રુપ પીટીસી ઈન્ડિયામાં હિસ્સો ખરીદશે તો તે દેશની એનર્જી વેલ્યુ ચેઈનમાં વધુ મજબૂત થઈ જશે. અદાણી ગ્રૂપ પહેલાથી જ દેશના ઉર્જા ક્ષેત્રમાં મજબૂત પકડ બનાવી રહ્યું છે. કોલ માઈનિંગ ટ્રેડિંગ બિઝનેસ, અદાણી ટ્રાન્સમિશનના માધ્યમથી અદાણી ગ્રૂપ વીજળીના ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશનમાં પહેલેથી જ એક છાપ બનાવી ચૂક્યું છે.
ઉલ્લેખનીય છે કે પીટીસી (PTC) પ્રથમ ભારતીય પાવર ટ્રેડિંગ કોર્પોરેશન (Power Trading Corp. of India) તરીકે જાણીતું હતું. તેની વેબસાઈટ મુજબ, તેને 1999માં જાહેર-ખાનગી ભાગીદારી તરીકે સામેલ કરવામાં આવી હતી. 2001 માં, કંપનીએ ઊર્જામાં વેપાર કરવાનું શરૂ કર્યું.