નવસારી જિલ્લામાં કોંગ્રેસનો ગઢ મનાતા એવા વાંસદા તાલુકામાં ભાજપે ગાબડું પાડ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. વાંસદાના બે ગામ વાંગણ અને ચારણવાળા તાલુકા પંચાયતના બે સભ્યોએ હવે ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો છે. કોંગ્રેસમાં રહી વિકાસના કામો ન થતા હોવાનું કારણ આગળ ધરી ભાજપનો હાથ પકડ્યો હોવાનું જણાવ્યું છે.
મળતી માહિતી મુજબ, નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના 25 વાંગણ બેઠકના પરશુ બીરારી અને 6 ચારણવાળા બેઠકના યોગેશ દેસાઈએ કોંગ્રેસ છોડી હવે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. બંને સભ્યોએ કોંગ્રેસમાં રહી પોતાના વિસ્તારમાં વિકાસના કામો ન થતા હોવાની અને પાયાની સુવિધા માટે વર્ષોથી વારંવાર રજૂઆતો કરવા છતાં પણ ઉચ્ચ કક્ષાએ ધ્યાને ન લેવાતી હોવાની ફરિયાદ સાથે કોંગ્રેસ છોડી છે. બંને સભ્યોએ જણાવ્યું કે, વિકાસલક્ષી કામગીરી કરવા માટે જ તેમણે ભાજપનો હાથ પકડ્યો છે.
વાસંદા બેઠક પર પગદંડો જમાવવા ભાજપનો મરણિયો પ્રસાય!
જણાવી દઈએ કે, વાંસદા વિધાનસભા બેઠક પર હાલ કોંગ્રેસના અનંત પટેલનો દબદબો છે. ત્યારે હવે તાલુકા પંચાયતના બે સભ્યોએ કોંગ્રેસ છોડી ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આથી ચર્ચા છે કે વાસંદા બેઠક પર ભાજપ પોતાનો પગદંડો જમાવવા માટે મરણિયો પ્રસાય કરી રહ્યો છે. નવસારી ખાતે આવેલી બીજેપીની ઓફિસ કમલમ ખાતે બંને સભ્યોએ ધારાસભ્ય નરેશ પટેલ, જિલ્લા પ્રમુખ ભુરાલાલ શાહ સહિતના અગ્રણીઓની હાજરીમાં કેસરિયો ખેસ ધારણ કર્યો હતો.