શિક્ષણ વ્યવસ્થાને લઈને આઈએએસ ધવલ પટેલના લેટર બાદ કેટલીક વિગતો સામે આવતા આ મામલે કોંગ્રેસ નેતા અને પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહીલે પણ તેમની પ્રતિક્રીયા આપતા શિક્ષણ મામલે અનેક સવાલો કર્યા હતા અને સામાન્ય સરવાળા ધોરણ 7 કે ધોરણ 8ના વિદ્યાર્થીઓને ન આવડે એ મામલે શિક્ષણ વ્યવસ્થા કેવા પ્રકારની છે? તે મામલે ગંભીરતાથી ગુજરાતીઓએ વિચાર કરવાની જરુર છે. તેમ પણ તેમણે વીડિયોના માધ્યમથી જણાવ્યું હતું.
શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, આઈએએસ અધિકારી ધવલ પટેલે જે હકીકતો ઉજાગર કરી છે તે તમામ માટે વિચારવા જેવી છે. હું તેમને અભિનંદન આપીશ. કેમ કે, શાળા પ્રવેશોત્સવમાં એક ઔપચારિકતા ના કરી પરંતુ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરવાની સાથે સાથે પેપરો પણ તપાસ્યા હતા, પછી તેમનું હૃદય દ્રવી ઉઠે છે તેની આ વાસ્તવિકતા આ અધિકારી પત્ર સ્વરુપે લખે છે.
આદિવાસી વિસ્તારમાં જે વિદ્યાર્થીઓ છે તેમને પૂછતા ધોરણ 7માં અને ધોરણ 8માં કે ધોરણ 5માં વિદ્યાર્થીઓને સરવાળા પણ નથી આવડતા. આગળ વધીને તેઓ પત્રમાં કહે છે કે, પેપરો તપાસું છું ત્યારે એક સાથે સમૂહમાં ચોરી થઈ હોય અને એક જ પ્રકારનું લખેલું હોય અને આગળના ધોરણમાં ચડાવવામાં આવ્યા હોય તેવી પરિસ્થિતિ છે. શક્તિસિંહે વધુમાં કહ્યું કે, ગુજરાતમાં જેને આંક કહીએ તે પણ આવડતા નથી. સિમ્પલ ગણિતના જવાબ નથી આવડતા. આટલું કથડેલું શિક્ષણ જોયા પછી ધવલ પટેલ આઈએએસ અધિકારી જે ગુજરાતી છે તેઓ પોતે લખે છે કે, ધોરણ 5 હોય કે ધોરણ 8 દરેક સ્તરના વિદ્યાર્થીઓનું લેવલનું કોઈ શિક્ષણ જ નથી.
આદિવાસી બાળકો પાસે કોઈ વિકલ્પ નથી આપણે એમને આ પ્રકારનું સડેલું શિક્ષણ આપીને અન્યાય કરી રહ્યા છીએ. આ શબ્દ વાપરવો પડ્યો હશે ત્યારે કેટલું દુઃખ તેમને થયું હશે. તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, મારું દ્રઢ મંતવ્ય છે પેઢી માત્ર મજૂરી કરે અને આગળ ન વધે એ આપણે સુનિશ્ચિત કરી રહ્યા છે.
વધુમાં જણાવ્યું કે, ગુજરાત સરકારે આ મામલાને ગંભીરતાથી લઈને ગુજરાતની માફી માંગવી જોઈએ. હું પોતે પણ શિક્ષણ મંત્રી રહી ચૂક્યો છું. આજના ભાજપના નેતાઓ કોંગ્રેસની સરકારમાં સરકારી શાળામાં જ ભણ્યા છે. સરકારી શાળાઓનું શિક્ષણ ઠેકાણું પાડી દીધું છું. ગુજરાતીઓને ન છૂટકે મોટી ફી આપીને પ્રાઈવેટમાં ભણાવવા પડે છે. આવતીકાલના બાળકોના ભવિષ્યનો સવાલ છે. સરકારી શાળામાં સડેલું શિક્ષણ ન હોય તેની તકેદારી આપણે સૌ એ રાખવી પડશે. તેમ શક્તિસિંહ ગોહીલે આ ગંભીર મામલે આ વાત કહી હતી.
ઉલ્લેખનીય છે કે, શાળા પ્રવેશોત્સવ દરમિયાન આઈએએસ ધવલ પટેલે છોટાઉદેપુર વિસ્તારની 6 જેટલી શાળાઓની મુલાકાત લીધી હતી આ દરમિયાન બાળકો સાથે વાતચીત કર્યા બાદ શિક્ષણને લઈને તેમને જે સ્થિતિ લાગી તેને લઈને તેમણે શિક્ષણ સચિવને લેટર લખ્યો હતો.