ગુજરાત સરકારની વીજ ટ્રાન્સમિશન કંપની GETCO દ્વારા રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારના 10 જિલ્લાઓમાં ખાસ કરીને દ્વારકા, કચ્છ, પોરબંદરમાં વીજળી પુનઃસ્થાપનની કામગીરી ખૂબ જ ટૂંકા સમયમાં પૂર્ણ કરવામાં આવી છે. લગભગ 900થી 1000 કરોડ જેટલું નુકસાન પણ વાવાઝોડાના કારણે થયું છે.
ચક્રવાત બિપરજોયને કારણે ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રમાં પાવર સિસ્ટમને ઘણું નુકસાન થયું છે. સરકારે તમામ અસરગ્રસ્ત જિલ્લાઓમાં ગામો અને નગરોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા માટે વધારાની ટીમો તૈનાત કરી હતી. ગેટકોની 100થી વધુ ટીમોએ રાજ્યના તમામ 10 અસરગ્રસ્ત જિલ્લાઓમાં વીજ પુરવઠો સંપૂર્ણપણે પુનઃસ્થાપિત કર્યો છે.
ચક્રવાત બિપરજોય 15 જૂનની સાંજે કચ્છના જખૌના દરિયાકાંઠે લેન્ડફોલ કર્યું હતું. જેના કારણે રાજ્યના 10 જિલ્લાઓમાં ભારે હાલાકી ભોગવવી પડી હતી. જેમાં વીજતંત્રને ભારે અસર થઈ હતી. આ માટે જમીન પર 2,000થી વધુ લોકોની 100 ટીમો તૈનાત કરી હતી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચક્રવાતથી પ્રભાવિત વિસ્તારોમાં વહેલી તકે વીજળી પુનઃસ્થાપિત કરવા સૂચના આપી હતી.
ચક્રવાત બિપરજોય દ્વારા સૌરાષ્ટ્ર, કચ્છ અને બનાસકાંઠા પ્રદેશોમાં 391 સબસ્ટેશન, વિવિધ વોલ્ટેજ વર્ગોની 675 ટ્રાન્સમિશન લાઇન, 43 H ફ્રેમ સ્ટ્રક્ચર અને 78 ટ્રાન્સમિશન ટાવર્સને નુકસાન થયું હતું. તમામ 391 સબસ્ટેશનમાં વીજળીનું ટ્રાન્સમિશન સંપૂર્ણપણે પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છે. વીજળીના પ્રસારણ માટે બિછાવેલા આવશ્યક ટાવર અને ટ્રાન્સમિશન લાઇનના પુનઃસ્થાપનનું કામ પણ તેજ ગતિએ લગભગ તમામ જગ્યાએ પૂર્ણ કરાયું છે.