ગ્લોબલ વોર્મિંગ વૈશ્વિક સમસ્યા બની ગઈ છે. તેની અસરથી મેક્સિકો પણ બચ્યું નથી. મેક્સિકોમાં ગરમીએ હાહાકાર મચાવ્યો છે. આ વર્ષે અત્યાર સુધીમાં 112 લોકોએ આકરી ગરમીના કારણે જીવ ગુમાવ્યા છે. આ સંખ્યા ગયા વર્ષ એટલે કે 2022 કરતા ત્રણ ગણી વધારે છે. આ માહિતી મેક્સિકોના આરોગ્ય કર્મચારીઓએ આપી છે.
આ અહેવાલ એવા સમયે આવ્યો છે જ્યારે રાષ્ટ્રપતિએ તાજેતરમાં દાવો કર્યો હતો કે કેટલાક પત્રકારોએ ગરમી અંગે અતિશયોક્તિપૂર્ણ માહિતી આપી છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બુધવારે મોડી રાત્રે જારી કરાયેલા રિપોર્ટ અનુસાર, છેલ્લા બે સપ્તાહમાં ગરમીના કારણે મૃત્યુના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. આ વર્ષે અત્યાર સુધીમાં, 2022 ની સરખામણીએ ગરમીથી મૃત્યુના કેસ લગભગ ત્રણ ગણા વધુ છે.
દર અઠવાડિયે ગરમી પર રિપોર્ટ બહાર પાડવામાં આવે છે, આ વખતે થયો વિલંબ
આરોગ્ય મંત્રાલય સામાન્ય રીતે દર અઠવાડિયે ગરમીથી થતા મૃત્યુનો અહેવાલ બહાર પાડે છે. પરંતુ આ વખતે રિપોર્ટ મોડો જાહેર થયો. ગરમીના કારણે મૃત્યુના કેસોની જાણ કરવામાં વિલંબ અંગે આરોગ્ય મંત્રાલયના પ્રશ્નોનો તાત્કાલિક જવાબ મળ્યો નથી. રિપોર્ટ અનુસાર, 18થી 24 જૂનમાં મૃત્યુના સૌથી વધુ 69 કેસ નોંધાયા. તાજેતરના અઠવાડિયામાં, મેક્સિકોના કેટલાક ભાગોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર પહોંચી ગયું છે.
એક સપ્તાહમાં ગરમીથી મૃત્યુના 31 નવા કેસ
11 થી 17 જૂનની વચ્ચે દેશમાં ગરમીને કારણે 31 લોકોના મોત થયા હતા. આ વર્ષે અત્યાર સુધીમાં ઉત્તર સરહદી રાજ્ય ન્યુવો લિયોનમાં હીટસ્ટ્રોક અને પાણીની અછતને કારણે સૌથી વધુ મોત થયા છે. નોંધનીય છે કે રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોરે ગયા અઠવાડિયે દાવો કર્યો હતો કે ગરમી સંબંધિત મૃત્યુના અહેવાલો ખોટા છે.