ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર નવાજૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. લાંબા સમય બાદ ગુજરાતની રાજનીતિના દિગ્ગજ એવા શંકરસિંહ વાઘેલા ફરી એકવાર સક્રિય થયા છે. શંકરસિંહ વાઘેલાએ તાજેતરમાં તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પછી એક પોસ્ટ મૂકી છે, જેમાં તેમની લખનૌ યાત્રાની તસવીરો શેયર કરી છે.
આ સોશિયલ મીડિયા પોસ્ટમાં શંકરસિંહ વાઘેલાએ કેટલીક તસવીરો પણ પોસ્ટ કરી છે. એક પોસ્ટમાં તેમણે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ સાથેની શુભેચ્છા મુલાકાતની તસવીરો પોસ્ટ કરી છે. જ્યારે બીજી એક અન્ય પોસ્ટમાં સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ સાથેની મુલાકાતની તસવીરો પણ શેયર કરી છે. આ પોસ્ટ સાથે તેમણે લખ્યું કે, અખિલેશ યાદવ સાથે તેમણે હાલના રાજકારણ અને વિપક્ષી એકતા અંગે ચર્ચા કરી. સાથે જ 2024માં બીજેપીને સત્તા પરથી હટાવવા અંગેની રણનીતિ પર પણ ચર્ચા કરી.
રાજ્યપાલ આનંદીબેન પટેલ સાથે પણ શુભેચ્છા મુલાકાત
આ પોસ્ટ સાથે બાપુએ ફરી એકવાર રાજનીતિમાં સક્રિય હોવાનો પરોક્ષ રીતે દાવો પણ કરી દીધો છે. જણાવી દઈએ કે, શંકરસિંહ વાઘેલાએ પોતાની યુપી યાત્રા દરમિયાન રાજધાની લખનૌમાં રાજભવનની મુલાકાત પણ લીધી હતી અને રાજ્યપાલ આનંદીબેન પટેલ સાથે પણ શુભેચ્છા મુલાકાત કરી હતી.