૧૪મી જુલાઈ સુધી કામકાજના સમય દરમિયાન ફોર્મ ફરી શકાશે સમગ્ર સૌરાષ્ટ્રમાં જાણીતો રાજકોટનો પરંપરાગત લોકમેળો-૨૦૨૩ તા. ૫મી સપ્ટેમ્બરથી ૯મી સપ્ટેમ્બર દરમિયાન યોજાવા જઈ રહ્યો છે. સુચારૂ આયોજન માટે લોકમેળા સમિતિ દ્વારા મેળાલક્ષી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ લોકમેળામાં ધંધો-વ્યવસાય કરવા સ્ટોલ્સ કે પ્લોટ મેળવવા માટેના અરજીપત્રકનું વિતરણ ૩ જુલાઈ ૨૦૨૩થી શરૂ થશે. તા.૧૪ જુલાઈ ૨૦૨૩ સુધીમાં કામકાજના સમય દરમિયાન આ અરજીપત્રક ભરીને જમા કરાવી શકાશે. લોકમેળા અમલીકરણ સમિતિના અધ્યક્ષ અને નાયબ કલેક્ટરશ્રી(રાજકોટ-૧)કે.જી.ચૌધરીની યાદીમાં જણાવાયા પ્રમાણે, રાજકોટમાં ઈન્ડિયન બેન્ક, તોરલ બિલ્ડિંગ, શાસ્ત્રી મેદાન સામે, રાજકોટ તથા નાયબ કલેક્ટર કચેરી, પ્રાંત રાજકોટ શહેર-૧, જુની કલેક્ટર કચેરી ખાતેથી સવારે ૧૧ થી બપોરે ૪ વાગ્યા સુધી અરજીપત્રકો મેળવી શકાશે. ભરેલા અરજીપત્રકો નિયત સમય મર્યાદામાં ઈન્ડિયન બેન્ક, તોરલ બિલ્ડિંગ, શાસ્ત્રી મેદાન ખાતે સ્વીકારવામાં આવશે. એ પછી ૨૪મી જૂલાઈએ રમકડાં, ખાણી-પીણી, મધ્યમ ચકરડી, નાની ચકરડીના પ્લોટની ફાળવણી ડ્રોથી કરવામાં આવશે. જ્યારે ૨૫મી જૂલાઈએ ખાણીપીણીના મોટા પાંચ પ્લોટ તથા કોર્નરના ૩૨ પ્લોટની ફાળવણી હરરાજીથી કરાશે. ૨૬મી જૂલાઈએ યાંત્રિક શ્રેણીના વિવિધ પ્લોટની હરરાજીથી ફાળવણી તો ૨૭મી જૂલાઈએ આઇસક્રીમના પ્લોટની ફાળવણી તથા ૨૮મી જૂલાઈએ ફૂડ કોર્ટ તેમજ ટી-કોર્નરની ફાળવણી કરાશે. કુલ મળીને ૩૫૫ પ્લોટ-સ્ટોલ્સની ફાળવણી કરવામાં આવશે. અરજી નિયમ ફોર્મમાં જ આપવાની રહેશે. એ સિવાયની અરજી સ્વીકારવામાં આવશે નહીં તેમ લોકમેળા અમલીકરણ સમિતિ અને નાયબ કલેક્ટરશ્રી(રાજકોટ-૧)ની યાદીમાં જણાવાયું છે.