ઘરમાં કામ કરતી મહિલાઓ માટે એક ચેતવણી સમાન ઘટના સામે આવી છે. નવસારીના જલાલપોર તાલુકાના વેસ્મા ગામમાં એક ચોંકાવનારી ઘટના બની, જેમાં મહિલા પોતાના ઘરે સાફસાઈફ કરી રહી હતી ત્યારે પોતું મારવાનું કપડું જે લોખંડના શેડ પર સૂકાતું હતું, તેને લેતા સમયે અચાનક કરંટ લાગ્યો હતો. મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા હતા, પરંતુ ટૂંકી સારવાર બાદ મહિલાનું મોત નીપજ્યું હતું.
જલાલપોર તાલકાના વેસ્મા ગામે અરડી ફળિયામાં પ્રફુલભાઈ પટેલ તેમની પત્ની નિકિતાબેન સાથે રહે છે. 28 જૂનના રોજ સાંજે નિકિતાબેન ઘરે સાફ-સફાઈનું કામ કરી રહ્યા હતા. ત્યારે પોતુ કરવા માટે તેમણે એક કપડું જે લોખંડના શેડ પર સૂકાતું હતું તે લેવા ગયા હતા. ત્યારે અચાનક નિકિતાબેનને કરંટ લાગ્યો હતો. કંરટ લાગતા ઝાટકાની સાથે જ નિકિતાબેન પડી ગયા હતા. તેમના પતિ પ્રફુલભાઈ તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા.
હોસ્પિટલમાં નિકિતાબેનનું ટૂંક સારવાર બાદ મોત નીપજ્યું હતું. નિકિતાબેનના અકસ્માત મોતથી પરિવારનો શોકમાં ગરકાવ થયો હતો. આ અંગે સ્થાનિક પોલીસને જાણ થતા પોલીસની ટીમ હોસ્પિટલ પહોંચી હતી અને સંપૂર્ણ માહિતી મેળવી હતી. આ અંગે હાલ પોલીસે પરિવારજનોનું નિવેદન લઈને આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.