કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજસ્થાનના ઉદયપુરમાં જનસભાને સંબોધિત કરી. આ દરમિયાન તેમણે કેન્દ્ર સરકારના 9 વર્ષના કાર્યકાળના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદીના 9 વર્ષ ગૌરવ અને વિકાસના વર્ષો રહ્યા.
ગાંધી ગ્રાઉન્ડ ખાતે રેલીને સંબોધતા અમિત શાહે કહ્યું કે મોદીજીએ દેશને સુરક્ષિત બનાવ્યો છે. અમે આતંકવાદને ખતમ કર્યો છે. તેમણે કહ્યું કે મોદી સરકારમાં આદિવાસી સમાજને સન્માન મળ્યું. અમે આદિવાસી સમાજની મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા.
ગૃહમંત્રીએ કહ્યું કે હવે વિપક્ષના તમામ નેતાઓ પટનામાં એકઠા થયા. 21 પાર્ટીના લોકો હતા. 21 લાખના કૌભાંડો, ગોટાળા અને ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા લોકો એકઠા થયા હતા. 21 પાર્ટીઓ એક થઈને રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવવા નીકળી છે. રાહુલ બાબા જો વડાપ્રધાન બને છે તો આ કૌભાંડો, ગોટાળાઓ, ભ્રષ્ટાચાર ભારતનું ભાગ્ય બની જશે. જો મોદીજી ફરી વડાપ્રધાન બનશે તો આ ભ્રષ્ટાચારીઓ જેલના સળિયા પાછળ જશે.
અમિત શાહે કહ્યું કે સીએમ અશોક ગેહલોત જી ખાલી-ખાલી જ આ ઉંમરે ફરી રહ્યા છે. જો કોઈ તેમને આ બેઠકનો વીડિયો બતાવી દે તો તેઓને ખબર પડી જશે કે તેમની સરકારના જવાનો સમય આવી ગયો છે. મેવાડની ધરતી પર આજે જે નજારો મારી સામે છે તે કહે છે કે 2023 અને 2024માં પૂર્ણ બહુમતી સાથે ભાજપની સરકાર બનવા જઈ રહી છે.
તેમણે કહ્યું કે મોદીજીના નેતૃત્વમાં આ 9 વર્ષોમાં કરોડો ખેડૂતોને પ્રતિવર્ષ 6000 રૂપિયા મળ્યા છે. જલ જીવન મિશન હેઠળ મોદીજીએ દરેક ગરીબના ઘરે નળનું પાણી પહોંચાડવાનું કામ શરૂ કર્યું છે. મફત અનાજ આપવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે. કોંગ્રેસ સરકાર દરમિયાન માત્ર 90 એકલવ્ય શાળાઓ હતી, પરંતુ મોદી સરકારમાં 2014થી અત્યાર સુધીમાં 500થી વધુ એકલવ્ય શાળાઓ બની ચુકી છે. અમે 30 લાખથી વધુ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપી. મોદીજીના 9 વર્ષ ભારતના ગૌરવના 9 વર્ષ રહ્યા છે.