મણિપુર મુદ્દે હોબાળો અટકવાનું નામ નથી લઈ રહ્યો. વિપક્ષી દળો દ્વારા લોકસભામાં રોજેરોજ હોબાળો મચી રહ્યો છે. વિરોધ પક્ષોની માંગ છે કે મણિપુર મામલે ગૃહમાં ચર્ચા કરવામાં આવે અને વડાપ્રધાન ગૃહમાં આ વિષય પર નિવેદન આપે. આ કારણથી વિપક્ષી પાર્ટીઓ રોજેરોજ વિરોધ કરી રહી છે જેના કારણે ચોમાસું સત્ર દરરોજ રદ્દ કરવું પડી રહ્યું છે. આ દરમિયાન હૈદરાબાદના સાંસદ અને AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે મોદી સરકાર હંમેશા પોતાની છબીને લઈને ચિંતિત રહે છે. તેમને કુકી સમાજની મહિલાઓની ચિંતા નથી.
મણિપુર વીડિયો કેસ પર કરી આ ટ્વીટ
અસદુદ્દીન ઓવૈસીએ મણિપુર કેસ પર ટ્વીટ કરીને લખ્યું કે, ‘અમિત શાહે કહ્યું કે મણિપુરમાં મહિલાઓની સાથે થયેલી હરકતનો વીડિયો મોદી સરકારની છબી ખરાબ કરવાનું ષડયંત્ર છે. આ ઈરાદાથી સંસદ સત્ર પહેલા તેને લીક કરવામાં આવ્યો હતો. મણિપુરમાં મે મહિનાની શરૂઆતથી જ હિંસા ચાલી રહી છે. વીડિયો મહિનાઓ જૂનો છે. પરંતુ આ વીડિયો વાયરલ થતા આ મામલે કાર્યવાહી કરવામાં આવી હતી. મોદી સરકાર હંમેશા પોતાની છબીને લઈને ચિંતિત રહે છે. તેમને કુકી સ્ત્રીઓના સન્માનની ચિંતા નથી. તે શરમજનક બાબત છે.’
ઓવૈસીએ સંસદ સત્ર રદ્દ થવા પર ચિંતા વ્યક્ત કરી
ગઈકાલે સંસદના સત્રને સતત રદ્દ કરવા બદલ અફસોસ વ્યક્ત કરતા ઓવૈસીએ કહ્યું કે આ દુર્ભાગ્યપૂર્ણ છે કે આપણે સંસદના ચોમાસુ સત્રના આટલા દિવસો ગુમાવ્યા છે. આપણે સરકારને અઘરા સવાલો પૂછવા જોઈએ, તેની નિષ્ફળતાઓને હાઈલાઈટ કરવી જોઈએ. પ્રશ્નકાળ પર ભાર મુકતા તેમણે કહ્યું કે આ દુર્ભાગ્યપૂર્ણ છે કે અમે પ્રશ્નકાળ આ રીતે જવા દઈએ છીએ. તેમણે કહ્યું કે ઘોંઘાટ વચ્ચે મહત્વના બિલો આ રીતે પસાર થઈ રહ્યા છે અને અમે બિલમાં રહેલી ખામીઓને ઉજાગર કરી શકતા નથી.