ચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે તમામ રાજકીય પક્ષો પોતપોતાના પ્રચારમાં જોરશોરથી લાગી ગયા છે ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સોમનાથ પહોંચી ગયા છે અને સૌરાષ્ટ્રમાં ચાર સભાઓ કરવાના છે. તેમની સભાને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ પણ આપી દેવાયો છે.
વડાપ્રધાન મોદીએ આવનારી ચૂંટણી માટે પ્રચાર કરવા માટે તેમનું મિશન સૌરાષ્ટ્ર શરુ કરી દીધું છે. સવારે વલસાડથી પીએમ મોદી સોમનાથ આવવા માટે નીકળી ગયા હતા. કાલે સાંજે દમણમાં રોડ શો અને સભા કરીને મોદીએ રાત્રિરોકાણ વલસાડમાં કર્યું હતું અને આજે તેઓ સૌરાષ્ટ્રમાં સભા કરવા આવી પહોંચ્યા છે. તેમના આ પ્રવાસને લઈને તમામ તૈયારી થઈ ચુકી છે અને સુરક્ષા વ્યવસ્થા પણ સઘન કરી દેવામાં આવી છે.
વડાપ્રધાન મોદી સોમનાથ મંદિરમાં મહાદેવની પૂજા કર્યા બાદ વેરાવળમાં જનસભાને સંબોધિત કરશે. આ પછી બપોરે એક વાગ્યાની આસપાસ ધોરાજી પહોંચશે અને અહીં જનસભાને સંબોધિત કરશે. ત્યાંથી નીકળીને તેઓ અમરેલી પહોંચશે અને અહીં પણ તેમની જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. ચાર વાગ્યા બાદ બોટાદ પહોચીને જાહેરસભાને સંબોધિત કરશે. ત્યાંથી સભા કર્યા બાદ તેઓ ગાંધીનગરમાં રાત્રિરોકાણ કરશે.