વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના પ્રવાસે છે જ્યાં તેમને લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા પરંતુ આ કાર્યક્રમથી રાજકીય તાપમાન વધી ગયું છે અને તેનું કારણ છે કાર્યક્રમનું સ્ટેજ. NCPમાં વિભાજન બાદ PM મોદી અને શરદ પવાર પહેલીવાર એક જ મંચ પર દેખાયા. અજિત પવાર, દેવેન્દ્ર ફડણવીસ અને સીએમ એકનાથ શિંદે સાથે હતા. જ્યારે એનસીપી ચીફ શરદ પવાર અને પીએમ મોદી પૂણેના મંચ પર મળ્યા, ત્યારે દ્રશ્ય જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. કાર્યક્રમમાં શરદ પવાર વડાપ્રધાન મોદીને એટલી ઉષ્મા સાથે મળ્યા કે બંનેને જોઈને ફરીથી વાતો થવા લાગી છે. મોદીને મળ્યા બાદ પવાર હસી રહ્યા હતા. તેમણે હસીને વડા પ્રધાનની પીઠ પણ થપથપાવી.
ત્યારે હવે આવી સ્થિતિમાં 2024ની લોકસભા ચૂંટણી પહેલા કોઈ મોટી રમત થવાની છે? શું એનસીપીનું ભૂતકાળમાં શિંદે સરકાર સાથે જવું એ સમજીને-વિચારીને બનાવેલી વ્યૂહરચના હતી? અજિત પવાર જે દિવસથી મહારાષ્ટ્ર સરકારમાં જોડાયા ત્યારથી આવા સવાલો ઉઠી રહ્યા છે, પરંતુ આજે મોદી-પવારની આ બેઠકે ફરી એકવાર એ ચર્ચાઓને વેગ આપી દીધો છે.
શરદ પવારને સલાહ આપી રહી હતી કોંગ્રેસ-શિવસેના
તમને જણાવી દઈએ કે પૂણેના આ કાર્યક્રમને લઈને મહાવિકાસ અઘાડીમાં હલચલ મચી ગઈ છે. કોંગ્રેસ અને શિવસેના ઉદ્ધવ ખુલ્લેઆમ શરદ પવારને કાર્યક્રમમાં ન જવાની સલાહ આપી રહ્યા હતા, પરંતુ શરદ પવારે તેમના શબ્દો પર ધ્યાન ન આપ્યું. શિવસેના (UBT) રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે કહ્યું હતું કે જો શરદ પવાર આ સમયે વડા પ્રધાન સાથે મંચ શેર કરે છે, તો પવારને પણ ખ્યાલ હોવો જોઈએ કે તે વિપક્ષી ગઠબંધન વિશે લોકોને શું સંદેશ આપશે. તેમણે વધુમાં કહ્યું કે અહીં પવારના સ્ટેન્ડને લઈને મૂંઝવણ થઈ શકે છે, તેમણે પરિસ્થિતિ સાફ કરવી પડશે પરંતુ અમે સાથે છીએ. MVA મજબૂત છે અને I.N.D.I.A. નું ગઠબંધન વધુ મજબૂત છે. આ કાર્યક્રમમાં શરદ પવાર મોદી સાથે સ્ટેજ શેર કરી રહ્યા છે તે પણ એક નવા રાજકીય જોડાણ તરીકે જોવામાં આવી રહ્યું છે, જેના કારણે મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયુ છે.
I.N.D.I.A. શા માટે ટેન્શનમાં?
PM મોદી સાથે શરદ પવારની મંચ પર હાજરી I.N.D.I.A. ના નેતાઓને પરેશાન કરી રહી છે શુક્રવારે વિપક્ષના નેતાઓની બેઠકમાં આ બેઠક પર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટી સહિત સમગ્ર વિપક્ષે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પવાર સાથે વાતચીત કરવા જણાવ્યું હતું. વિપક્ષી નેતાઓનું કહેવું છે કે I.N.D.I.A. મણિપુરના મુદ્દે પીએમ મોદીને ઘેરી રહ્યા છે, તો શરદ પવારની સભા વિપક્ષી એકતાને નબળી પાડશે. ભાજપ આ કાર્યક્રમની તસવીરોનો રાજકીય લાભ ઉઠાવી શકે છે.