જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)ના પ્રમુખ મહેબૂબા મુફ્તીએ શનિવારે આરોપ લગાવ્યો કે, તેમને નજરકેદ રાખવામાં આવ્યા છે. તે જ સમયે, મહેબૂબાએ કેન્દ્ર શાસિત પ્રદેશમાં સામાન્ય સ્થિતિના કેન્દ્રના દાવાઓ પર પણ સવાલ ઉઠાવ્યા. હકીકતમાં, વર્ષ 2019માં આ દિવસે, કેન્દ્રે બંધારણની કલમ 370 નાબૂદ કરી હતી. આ સાથે જ જમ્મુ-કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો ખતમ થઈ ગયો હતો. તેમ જ રાજ્યને જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કરવામાં આવ્યું હતું.
મહેબૂબા મુફ્તીએ ટ્વિટર (હવે X) પર લખ્યું કે, મને આજે પીડીપીના અન્ય વરિષ્ઠ નેતાઓ સાથે નજરકેદ કરવામાં આવી છે. આ મધ્યરાત્રિ ક્રેકડાઉન પછી છે જ્યાં મારા પક્ષના ઘણા લોકોને પોલીસ સ્ટેશનોમાં ગેરકાયદેસર રીતે અટકાયતમાં લેવામાં આવ્યા છે. સર્વોચ્ચ અદાલતમાં સામાન્યતા અંગેના ભારત સરકારના ખોટા દાવાઓ તેમના મનમાં રહેલા ડરના અનેક કૃત્યો દ્વારા ખુલ્લા પાડવામાં આવ્યા છે.
તેમણે કહ્યું કે, એક તરફ કાશ્મીરીઓને અનુચ્છેદ 370ના ગેરકાયદેસર નાબૂદીની ઉજવણી કરવા માટે આહવાન કરતા વિશાળ હોર્ડિંગ્સ સમગ્ર શ્રીનગરમાં લગાવવામાં આવ્યા છે. બીજી તરફ, લોકોની વાસ્તવિક ભાવનાનું ગળું દબાવવા માટે ઘાતકી બળનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એવી આશા છે કે જ્યારે આર્ટિકલ 370 પર સુનાવણી થઈ રહી છે ત્યારે માનનીય સુપ્રીમ કોર્ટ આ ઘટનાક્રમને ધ્યાનમાં લેશે. અધિકારીઓએ ઘાટીમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા કરી છે. અત્યાર સુધી ક્યાંયથી કોઈ વિરોધ કે અપ્રિય ઘટનાના સમાચાર નથી.