26 વિપક્ષી પક્ષોની આગેવાની હેઠળનું નવું જોડાણ, ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ એલાયન્સ (I.N.D.I.A.) 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરે મુંબઈમાં તેની ત્રીજી બેઠક યોજે તેવી શક્યતા છે. દાવો કરાયો છે કે, આ બેઠક પણ બેંગલુરુ બેઠકની તર્જ પર યોજાશે, જેમાં બીજા દિવસે તેમની નિર્ણાયક બેઠક પહેલા 31 ઓગસ્ટે નેતાઓ અનૌપચારિક રીતે બેઠક કરશે.
સૂત્રો મુજબ, “વિપક્ષની બેઠક બે દિવસની હશે જે 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરે યોજાશે, જેમાં તમામ નેતાઓ તારીખોને મંજૂરી આપશે.” આ બેઠક પવઈની એક હોટલમાં યોજાય તેવી શક્યતા છે અને ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું હતું કે, અગાઉ ઘણી તારીખોની ચર્ચા કરવામાં આવી હતી, પરંતુ તે પ્રસંગે તમામ નેતાઓ ઉપલબ્ધ ન હોવાથી તે નક્કી થઈ શક્યું ન હતું.
બેઠકમાં હાજરી આપવા માટે એમ.વી.એ તૈયાર
ત્રીજી બેઠકનું આયોજન મહા વિકાસ અઘાડી ગઠબંધનના ત્રણ ઘટકો – કોંગ્રેસ, શિવસેના (UBT) અને NCPના શરદ પવાર જૂથ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી રહ્યું છે. MVA ઘટકો મીટિંગના સમયપત્રકની વાટાઘાટ કરી રહ્યા હતા. આ પ્રથમ વખત છે કે વિપક્ષની બેઠક એવા રાજ્યમાં યોજાશે, જ્યાં I.N.D.I.A. બ્લોકનો કોઈ સભ્ય સત્તામાં નથી.
ઉલ્લેખનીય છે કે, શુક્રવારે સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની મોદી અટકની ટિપ્પણી પર 2019ના માનહાનિના કેસમાં દોષિત ઠેરવવા પર રોક લગાવ્યા બાદ વિપક્ષી ગઠબંધનની ત્રીજી બેઠક મહત્વ ધરાવે છે, જેનાથી તેમને આગામી લોકસભા ચૂંટણી લડવાનો માર્ગ મોકળો થયો હતો. ચૂંટણીઓ પહેલા ગઠબંધન, સંચાર અને 2024 સામાન્ય ચૂંટણી પ્રચાર જેવી વિશિષ્ટ પહેલ માટે સમિતિઓની રચનાની જાહેરાત કરે તેવી અપેક્ષા છે.