દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જીવથી મારી નાખવાની ધમકી મળી છે. આ જાણકારી દિલ્હી પોલીસે આપી છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર આરોપીની માનસિક સ્થિતિ સારી નથી
દિલ્હી પોલીસે જણાવ્યું કે આરોપીએ સોમવારની રાત્રે 12:55 વાગ્યે પીસીઆર કોલ કરીને અરવિંદ કેજરીવાલને મારી નાખવાની ધમકી આપી હતી. કોલ બાદ દિલ્હી પોલીસ એક્શન મોડમાં આવી અને તેની તપાસ કરી. આ પછી થોડા સમયમાં જ તેને પકડી લેવામાં આવ્યો. જોકે, આરોપીની દિલ્હીના ગુલાબી બાગમાં સારવાર ચાલી રહી છે. આ જોતા પોલીસે તેની ધરપકડ ન કરી. આરોપીની ઉંમર 38 વર્ષ છે.
મુંબઈ ભાજપના અધ્યક્ષ આશિષ શેલારને ધમકી
બીજી તરફ શુક્રવારે બીજેપીના મુંબઈ યુનિટના અધ્યક્ષ આશિષ શેલારને એક પત્ર દ્વારા મારી નાખવાની ધમકી મળી હતી. આ પત્ર ઉપનગરીય બાંદ્રા વિસ્તારમાં શેલારની ઓફિસને મળ્યો હતો. અભદ્ર અને અમર્યાદિત ભાષામાં લખાયેલો આ પત્ર કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા મોકલવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસ અધિકારીએ કહ્યું કે પત્રમાં બીજેપી ધારાસભ્યને શાંત રહેવા અને વધુ ન બોલવા માટે કહેવામાં આવ્યું છે. સાથે જ જો તે આમ નહીં કરે તો તેમને અને તેમના પરિવારને આના ગંભીર પરિણામો ભોગવવા પડશે એવી ધમકી પણ આપવામાં આવી હતી.