માર્ચમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કલેક્શન વાર્ષિક ધોરણે 13 ટકા વધીને 1.60 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. આ અત્યાર સુધીનો બીજો સૌથી વધુ GST કલેક્શન છે.
10,355 કરોડ રૂપિયાનો સેસ પણ સામેલ રહ્યો
નાણા મંત્રાલયના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, માર્ચ 2023માં કુલ જીએસટી કલેક્શન 1,60,122 કરોડ રૂપિયા હતું. તેમાં સેન્ટ્રલ જીએસટી (CGST) કલેક્શન 29 હજાર 546 કરોડ છે, જ્યારે સ્ટેટ જીએસટી (SGST) કલેક્શન 37 હજાર 314 કરોડ રૂપિયા છે. તે જ સમયે, ઇન્ટિગ્રેટેડ GST (IGST) તરીકે 82 હજાર 907 કરોડ રૂપિયા એકત્રિત થયા હતા. તેની સાથે 10,355 કરોડ રૂપિયાનો સેસ પણ સામેલ છે. અગાઉ ફેબ્રુઆરીમાં જીએસટી કલેક્શન 1.49 લાખ કરોડ રૂપિયા હતું, જ્યારે જાન્યુઆરીમાં ટેક્સ કલેક્શન 1.57 લાખ કરોડ રૂપિયા હતું.
એપ્રિલ 2022માં સૌથી વધુ કલેક્શન
એપ્રિલ 2022માં જીએસટીનું સૌથી વધુ કલેક્શન 1.68 લાખ કરોડ રૂપિયા હતું. નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન GSTનું કુલ કલેક્શન 18.10 લાખ કરોડ રૂપિયા હતું, જે નાણાકીય વર્ષ 2021-22 કરતાં 22 ટકા વધુ છે. સમાપ્ત થયેલા નાણાકીય વર્ષમાં જીએસટીનું સરેરાશ માસિક કલેક્શન 1.51 લાખ કરોડ રૂપિયા રહ્યું છે. આ સમગ્ર વર્ષમાં ચાર વખત માસિક ધોરણે ટેક્સ કલેક્શન 1.50 લાખ કરોડ રૂપિયાથી વધુ થયું છે.
નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે, માર્ચમાં ફેબ્રુઆરી માટે 93.2 ટકા જીએસટીઆર-1 (GSTR-1) ફોર્મ સબમિટ કરવામાં આવ્યા હતા, જ્યારે 91.4 ટકા જીએસટીઆર-3B (GSTR-3B) ફોર્મ ફાઈલ કરવામાં આવ્યા હતા. રિટર્ન ફાઇલિંગનું આ અત્યાર સુધીનું સર્વોચ્ચ સ્તર છે. KPMGના ભારતમાં ભાગીદાર (પરોક્ષ કર) અભિષેક જૈને જણાવ્યું હતું કે, માસિક અને વાર્ષિક GST સંગ્રહના આંકડા ભારતીય અર્થતંત્રના વધતા કદને દર્શાવે છે.