ભારતીય ક્રિકેટ ટીમે 5 મેચની T20 શ્રેણીની ચોથી મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 9 વિકેટે હરાવી દીધી. આ સાથે ટીમ ઈન્ડિયાએ આ શ્રેણી 2-2 થી બરાબરી પર લાવી દીધી છે. અત્યાર સુધી હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાને T20 ફોર્મેટમાં ઘણી સફળતા મળી છે. હાર્દિકની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયા એક મોટો રેકોર્ડ પણ બનાવવામાં સફળ રહી છે.
હાર્દિકે ધોનીને પાછળ છોડી દીધો
હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયા એક મોટો રેકોર્ડ બનાવવામાં સફળ રહી છે. તમને જણાવી દઈએ કે કેપ્ટન તરીકે હાર્દિકે પ્રથમ 14 મેચમાંથી 9 મેચ જીતવામાં સફળતા મેળવી છે. પ્રથમ 14 T20 મેચોમાં તેણે સૌથી વધુ જીતના મામલે વિરાટ કોહલીની બરાબરી કરી લીધી છે. તે જ સમયે તે મહેન્દ્ર સિંહ ધોનીને પાછળ છોડવામાં સફળ રહ્યો છે. ધોનીની કપ્તાનીમાં ટીમે પ્રથમ 14 મેચમાંથી 8માં જીત મેળવી હતી.
આ મામલે રોહિત સૌથી આગળ
આ મામલે હિટમેન રોહિત શર્મા સૌથી આગળ છે. રોહિત શર્માની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ 14માંથી 12 મેચ જીતી હતી. પરંતુ T20 વર્લ્ડ કપ બાદથી રોહિત શર્માએ ભારતીય ટીમ માટે એકપણ T20 મેચ રમી નથી. લગભગ એક વર્ષથી ટીમની કમાન હાર્દિક પંડ્યાના હાથમાં છે અને તેની કપ્તાનીમાં યુવા ખેલાડીઓએ અત્યાર સુધી સારો દેખાવ કર્યો છે.
ભારતીય ટીમ જીતી મેચ
વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન રોવમેન પોવેલે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો જે ખોટો સાબિત થયો. ટીમ ઈન્ડિયા માટે બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું અને વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનોને છૂટથી પ્રહાર કરવા દીધા નહીં. ભારતીય ટીમ તરફથી અર્શદીપ સિંહે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. તેણે જ વિન્ડીઝના ઓપનરોને પેવેલિયન મોકલ્યા હતા. કુલદીપ યાદવે તેના ખાતામાં 2 વિકેટ લીધી હતી. આ સિવાય યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ અને મુકેશ કુમારે 1-1 વિકેટ લીધી હતી.