મેક ઈન ઈન્ડિયા પહેલની મોબાઈલ ફોનના ઉત્પાદન પર મોટી અસર થઈ છે. આ પહેલને કારણે ભારતના મોબાઈલ ફોનના ઉત્પાદનમાં અનેકગણો વધારો થયો છે. ભારત સરકારની આ પહેલને કારણે ભારત હવે વિશ્વમાં બીજા નંબરનો સૌથી મોટો મોબાઈલ ફોન ઉત્પાદક બની ગયો છે. ભારતમાં મોબાઈલ ફોન શિપમેન્ટ 2014 અને 2022 ની વચ્ચે 2 અબજનો આંકડો પાર કરી ગયો છે. આ સમયગાળા દરમિયાન મોબાઈલ ફોનના ઉત્પાદનમાં લગભગ 23 ટકાની વાર્ષિક ચક્રવૃદ્ધિ નોંધવામાં આવી છે.
કાઉન્ટર પોઈન્ટના રિસર્ચ રિપોર્ટ અનુસાર મોબાઈલ ઉત્પાદનમાં વધારા પાછળ ડિજિટલ સાક્ષરતામાં વધારો અને સરકારી દબાણ મુખ્ય કારણો છે. ભારત સરકારના મહત્ત્વપૂર્ણ અને અસરકારક નિર્ણયોને કારણે આજે ભારત વિશ્વનો બીજો સૌથી મોટો મોબાઈલ ઉત્પાદન દેશ બની ગયો છે.
રિસર્ચ ડાયરેક્ટર તરુણ પાઠકે જણાવ્યું કે વર્ષ 2022માં મોબાઈલ ફોનના સમગ્ર માર્કેટમાં 98 ટકાથી વધુ શિપમેન્ટ માત્ર મેક ઈન ઈન્ડિયાના હતા, જ્યારે 2014માં જ્યારે મોદી સરકાર સત્તા પર આવી ત્યારે આ આંકડો માત્ર 19 ટકા હતો. રિસર્ચમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ભારતમાં ઘણી કંપનીઓ ઝડપથી પોતાના યુનિટ સ્થાપી રહી છે, જેના કારણે નોકરી વધારવાની સાથે મોબાઈલના ઉત્પાદનમાં પણ મોટી અસર થઈ છે.