ડિરેક્ટોરેટ જનરલ ઓફ GSTએ કેસિનો ઓપરેટર ડેલ્ટા કોર્પને 11,139 કરોડ રૂપિયાની નોટિસ જારી કરી છે. કંપનીએ આ રકમ વ્યાજ અને દંડ સહિત ચૂકવવાની રહેશે. નોટિસ અનુસાર, કંપનીએ જુલાઈ, 2017થી માર્ચ 2022 સુધી ઓછો ટેક્સ ચૂકવ્યો હતો. જો કે, કંપની દ્વારા આવી ટેક્સ માગ અને સંબંધિત કાર્યવાહીને પડકારવામાં આવશે. તેમ જણાવાયું છે.
કંપનીએ સ્પષ્ટતા કરી છે કે નોટિસની રકમ અન્ય બાબતોની સાથે વિવાદાસ્પદ સમયગાળા દરમિયાન કેસિનોમાં રમાયેલી તમામ રમતોના કુલ હોડના મૂલ્ય પર આધારિત છે. ડેલ્ટા કોર્પે કહ્યું, અમે કાયદાકીય સલાહ લીધી છે. ટેક્સની નોટિસ અને માગ મનસ્વી અને કાયદાની વિરુદ્ધ છે. કંપની આવી ટેક્સ માગ અને સંબંધિત કાર્યવાહીને પડકારશે.
ડેલ્ટા કોર્પ, ભારતની સૌથી મોટી કેસિનો કંપનીએ જણાવ્યું હતું કે, ઉદ્યોગે કુલ ગેમિંગ આવકને બદલે સટ્ટાબાજીની કિંમત પર GSTની માગનો મુદ્દો પહેલેથી જ ઉઠાવ્યો છે. ગયા જુલાઈ મહિનામાં મળેલી GST કાઉન્સિલની 50મી બેઠકમાં ઓનલાઈન ગેમિંગ, હોર્સ રેસિંગ અને કેસિનોના સંપૂર્ણ મૂલ્ય પર 28 ટકા GST લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. નાણામંત્રી નિર્મલા સીતારમણે આ બેઠકની અધ્યક્ષતા કરી હતી.