વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કરશે. આ ખાસ અવસર પર દેશના દિગ્ગજ ક્રિકેટરોને મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે, જેમાં સચિન તેંડુલકર, રવિ શાસ્ત્રી અને સુનીલ ગાવસ્કર જેવા મહાન ખેલાડી સામેલ છે. વારાણસી પહોંચ્યા બાદ આ ક્રિકેટરોએ કાશી વિશ્વનાથ મંદિરની મુલાકાત લીધી હતી.
સચિન તેંડુલકર વારાણસી પહોંચ્યા
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકર વારાણસી પહોંચ્યા છે. વારાણસી પહોંચ્યા બાદ સચિન તેંડુલકર કાશી વિશ્વનાથ મંદિર પહોંચ્યા અને ત્યાં ભગવાન શિવજીની પૂજા કરીને આશીર્વાદ મેળવ્યા હતા.
સચિન સાથે જય શાહે પણ કર્યા દર્શન
સચિન સાથે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહ પણ કાશી વિશ્વ વિશ્વનાથ મંદિર પહોંચ્યા હતા. આ દરમિયાન સચિને જલાભિષેક કરીને ભગવાન શિવની પૂજા કરી હતી. કાશી વિશ્વનાથ મંદિરમાં સચિન તેંડુલકર સાથે ભૂતપૂર્વ ક્રિકેટર અને ટીમ ઈન્ડિયાના પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રી પણ જોવા મળ્યા હતા. આ તમામ વડાપ્રધાન દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે વારાણસી આવ્યા છે.
વારાણસીમાં 330 કરોડના ખર્ચે ક્રિકેટ સ્ટેડિયમ બનશે
તમને જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કરી રહ્યા છે. આ ખાસ અવસર પર તેમણે 1983ની વર્લ્ડ કપ વિજેતા ટીમના તમામ સભ્યોને પણ આમંત્રણ આપ્યું છે. વારાણસીમાં બની રહેલા ક્રિકેટ સ્ટેડિયમની થીમ ભગવાન શિવ પર આધારિત હશે. સ્ટેડિયમની ફ્લડ લાઇટ ત્રિશૂળના આકારમાં હશે. આ સિવાય સ્ટેડિયમની છત ભગવાન શિવના મસ્તક પર બેઠેલા ચંદ્ર જેવા અર્ધચંદ્રાકારના આકારમાં બનાવવામાં આવશે. આ સ્ટેડિયમ બનાવવા માટે કુલ 330 કરોડ રૂપિયાનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે.