ક્રિકેટ પ્રેમીઓ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. 128 વર્ષનો ઓલિમ્પિક ઈતિહાસ ફરી બદલાવા જઈ રહ્યો છે. આટલા વર્ષોના લાંબા ગાળા બાદ ક્રિકેટને ફરીથી ઓલિમ્પિક ગેમ્સમાં સામેલ કરવામાં આવ્યું. ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) એ આ મોટો નિર્ણય લીધો છે. જણાવી દઈએ કે અગાઉ 1900માં યોજાયેલી સમર ઓલિમ્પિક ગેમ્સમાં ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 1896માં જ્યારે એથેન્સ ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું ત્યારે ક્રિકેટને પણ સામેલ કરવાની યોજના હતી. થોડા દિવસ પહેલા ચીનમાં યોજાયેલ એશિયન ગેમ્સમાં ભારતીય ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું.
સાલ 2028માં ઓલિમ્પિક્સમાં જોવા મળશે ક્રિકેટ
ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) એ શુક્રવારે સાલ 2028 લોસ એન્જલસ ઓલિમ્પિક માટે ક્રિકેટને મંજૂરી આપી દીધી છે. આઈઓસીના પ્રમુખ થોમસ બેચે આની જાહેરાત કરી હતી. થોમસ બેચે ગુરુવારે મુંબઈમાં Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે એક્ઝિક્યુટિવ બોર્ડની બેઠકની અધ્યક્ષતા કરી હતી. ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના સ્પોર્ટ્સ ડાયરેક્ટર કિટ મેકકોનેલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ‘લોસ એન્જલસ કમિટીએ 5 રમતોનો પ્રસ્તાવ મૂક્યો છે જે ઓલિમ્પિકનો ભાગ બની શકે છે. આમાં ક્રિકેટ પણ સામેલ છે. EB (એક્ઝિક્યુટિવ બોર્ડ) આવતીકાલની બેઠકમાં આ બાબતને ઉઠાવશે.