મોટાવરાછા ખાતે કુલ રૂ.૧૫૧.૮૯ કરોડના ખર્ચે ‘પીએમ આવાસ યોજના’ના ૧૦૬૦ EWS આવાસોનું લોકાર્પણ અને ૧૪૯૮ આવાસોનો કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો કરતા નાણા મંત્રી કનુભાઈ દેસાઈ
‘દેશભરમાં સૌથી ઝડપથી વિકાસ પામી રહેલા સુરતમાં વ્યવસાય અર્થે વસેલા પરપ્રાંતીય નાગરિકોને પણ આવાસ યોજનાઓ થકી આવાસીય સુવિધા મળી છે’: નાણામંત્રી કનુભાઈ દેસાઈ
નાણા, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે મોટાવરાછા ખાતે સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અંદાજિત રૂ.૭૮.૭૧ કરોડના ખર્ચે સાકારિત કુલ-૧૦૬૦ EWS આવાસોનું લોકાર્પણ તથા અંદાજિત રૂ.૭૩.૧૮ કરોડના ખર્ચે સાકારિત કુલ-૧૪૯૮ EWS આવાસોનો કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો યોજાયો હતો. વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ, સાંસદશ્રી સી.આર.પાટીલ આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
દિવાળી પર્વ પૂર્વે ભેટ સ્વરૂપે નવું ઘર મેળવવા બદલ લાભાર્થીઓને અભિનંદન પાઠવતા નાણામંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, PMAY અંતર્ગત જાતિવાદ કે અન્ય કોઈ પણ ભેદભાવ વગર દરેક જરૂરિયાતમંદને આવાસ યોજનાનો લાભ આપવામાં આવે છે. તેમણે કહ્યું કે, દેશભરમાં સૌથી ઝડપથી વિકાસ પામતા શહેરોમાં સ્થાન મેળવતા સુરતમાં વ્યવસાય અર્થે આવતા પરપ્રાંતીય નાગરિકોને પણ આવાસ યોજનાઓ થકી રહેઠાણની સુવિધા મળી રહે છે.
કુલ રૂ.૧૫૧.૮૯ કરોડના ખર્ચે ‘પીએમ આવાસ આવાસોનું લોકાર્પણ અને કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો પ્રસંગે તેમણે સુરતમાં વસતા લાખો શહેરીજનોને પ્રાપ્ત સુવિધાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે, શહેરીકરણના હિતમાં ઝૂંપડપટ્ટી નિવારણ હેતુથી પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ પાકા અને તમામ સુવિધાથી સજ્જ આધુનિક અફોર્ડેબલ હાઉસીંગની યોજનાનો અમલ કરાયો છે, જેથી શહેરમાં ઝુંપડપટ્ટીનું પ્રમાણ ૨૫ ટકાથી ઘટીને ૫ ટકા થયું છે. આ કારણે વધી રહેલી સ્વચ્છતાથી લોકોના આરોગ્યમાં પણ હકારાત્મક અસરો પડી રહી છે એમ તેમણે ઉમેર્યું હતું.
વન મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે નવા ઘર અને લાભાર્થીઓની સુખ શાંતિ માટે સૌને શુભકામનાઓ પાઠવી હતી. તેમણે કહ્યું કે, રાજ્ય અને કેન્દ્ર સરકાર ઉચ્ચ ગુણવત્તાયુક્ત આવાસો બનાવી રહી છે, જેથી મધ્યમ અને ગરીબવર્ગના પરિવારોને સસ્તાદરે આવાસો મળી રહ્યા છે અને તેઓનું પોતીકા ઘરનું સપનું સાકાર થઈ રહ્યું છે. વડાપ્રધાનશ્રીના ગુડ ગવર્નન્સ (સુશાસન)ના ચીલે ચાલીને રાજ્ય સરકાર પણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસની સાથે સામાન્યજનની સુખાકારીને પ્રાથમિકતા આપી રહી છે.
નોંધનીય છે કે, માત્ર ૮.૫૦ લાખની નજીવી કિમતે મળવાપાત્ર આ આવાસો આર.સી.સી. ટાઈપના ભૂકંપ પ્રતિરોધક સ્ટ્રક્ચર આધારિત તૈયાર થયેલા છે. સાથે જ તેમાં ડ્રેનેજ નેટવર્ક, ગેસ લાઈન, ફાયર ફાઈટીંગ સિસ્ટમ, કંપાઉન્ડ વોલ અને આકર્ષક એન્ટ્રન્સ ગેટ, વોચમેન રૂમ, માર્જીનની જગ્યામાં પેવર બ્લોક, વૃક્ષારોપણ સહિત સી.ઓ.પી.ડેવલપમેન્ટ, LED સ્ટ્રીટલાઈટ, ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટર (OWC), વોટર રિચાર્જીંગ બોર, અંડરગ્રાઉન્ડ તથા ઓવરહેડ પાણીની ટાંકી સહિતની બાહ્ય સુવિધાઓથી સજ્જ છે.
આ પ્રસંગે ધારાસભ્ય સર્વશ્રી સંદીપભાઈ પટેલ, સંગીતાબે પાટીલ, પ્રવીણભાઈ ઘોઘારી, મેયરશ્રી દક્ષેશભાઈ માવાણી, ડે. મેયરશ્રી નરેન્દ્ર પાટીલ, સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજનભાઈ પટેલ, મ્યુ. કમિશનરશ્રી શાલિની અગ્રવાલ, ડે.કમિશનર આશિષ નાયક, પૂર્વ મેયર નિરંજનભાઈ ઝાંઝમેરા, પૂર્વ ડે. મેયરશ્રી દિનેશ જોધાણી, શાસક પક્ષના નેતા શશિકલા ત્રિપાઠી, દંડકશ્રી ધર્મેશભાઈ વાણીયાવાલા, કોર્પોરેટર ભાવનાબેન સોલંકી સહિત પાલિકાના કર્મચારીઓ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.