મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભા ચૂંટણીઓમાં પ્રચંડ જનસમર્થન મેળવીને સતત બીજીવાર મુખ્યમંત્રીપદનો કાર્યભાર મંગળવારે તા. 13 મી ડિસેમ્બરે સવારે શુભ મૂહુર્તમાં વિધિવત સંભાળ્યો છે. મુખ્યમંત્રી કાર્યાલયમાં ભૂપેન્દ્ર પટેલે સીમંધર સ્વામીની મૂર્તિ તથા પૂજ્ય દાદા ભગવાનના શ્રીચરણોમાં ભાવપૂષ્પ અર્પણ કરીને રાજ્યનું જનસેવા દાયિત્વ આજથી સંભાળી લીધું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે રાજ્ય મંત્રીમંડળના નવનિયુક્ત મંત્રીશ્રીઓ પણ પૂજન-અર્ચનમાં સહભાગી થયા હતા. મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સમગ્ર મંત્રીમંડળે સહુજન હિતાય-સહુજન સુખાયની ખેવના તેમ જ ‘સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ’ ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ધ્યેયમંત્ર સાથે આજે મંગળવાર તા. 13 મી ડિસેમ્બરથી જ પોતાના પદભાર સંભાળ્યા છે.
મુખ્યમંત્રી એ નવનિયુક્ત સૌ મંત્રીઓને શુભેચ્છાઓ પાઠવી હતી અને રાજ્યના ઉત્તરોત્તર અવિરત વિકાસમાં તેમનું યોગદાન મળતું રહે તેવી મંગળ કામનાઓ વ્યક્ત કરી હતી.