અમદાવાદ શહેરના મણિનગર રેલવે સ્ટેશન નજીક ટ્રેનની અડફેટમાં આવી જતાં વૃદ્ધ દંપતીનું ઘટના સ્થળે મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની જાણ થતાં રેલવે પોલીસે ઘટના સ્થળે દોડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મહારાષ્ટ્રનું દંપતી મણિનગર રેલવે સ્ટેશન નજીકના દક્ષિણી વિસ્તારમાંથી પસાર થતાં રેલવે ટ્રેકને ક્રોસ કરવા જઈ રહ્યું હતુ. આ દરમિયાન અચાનક ટ્રેન આવી ચડતા બન્ને જણાં ટ્રેનની અડફેટમાં આવી ગયા હતા. જેના કારણે બન્નેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ. આ બનાવની જાણ થતાં મણિનગર રેલવે પોલીસ તેમજ ખોખરા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે બન્નેના મૃતદેહોનો પોસ્ટમોર્ટમ માટે મોકલીને મૃતકોની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી હતી.
પોલીસ તપાસમાં મૃતકની ઓળખ રવિન્દ્ર નાલે અને તેમના પત્ની લલિતા નાલે તરીકે થઈ છે. જે પૈકી રવિન્દ્ર નાલે રેલવેના પૂર્વ કર્મચારી હોવાનું સામે આવ્યું છે. આ દંપતી દક્ષિણી વિસ્તારમાં પોતાના સ્વજનની સ્મશાન યાત્રામાં સામેલ થવા જઈ રહ્યાં હતા, ત્યારે તેઓ ટ્રેનની અડફેટમાં આવી ગયા હોવાનું માલૂમ પડ્યું છે.