બનાસકાંઠામાં આવેલા શક્તિપીઠ અંબાજી ખાતે 23થી 29 સપ્ટેમ્બર, 2023 દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો આયોજિત થયો હતો, જેમાં લાખોની સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓને ગુણવત્તાયુક્ત મોહનથાળનો પ્રસાદ મળી રહે એ માટે આયોજન કરાયું હતું. આ મેળા દરમિયાન પ્રસાદની માંગને પહોંચી વળવા એજન્સી દ્વારા મોટા પ્રમાણમાં ઘીનો જથ્થો સ્ટોક કરવામાં આવ્યો હતો. આ જથ્થામાંથી 28 ઓગસ્ટ, 2023ના રોજ કેટલાક સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે 15 સપ્ટેમ્બર, 2023ના રોજ આવેલ પરિણામોમાં ફેલ થયા હતા. તેથી, ઘીના આ સમગ્ર જથ્થાને બાકાત કરવામાં આવ્યો હતો અને એનો પ્રસાદમાં ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. ત્યારબાદ બનાસ ડેરીમાંથી ઘી લાવીને તેનો પ્રસાદમાં ઉપયોગ થયો હતો.
ભાદરવી પૂનમના મહામેળામાં જિલ્લા પુરવઠા અધિકારીશ્રી અને એમની ટીમ શ્રદ્ધાળુઓને ગુણવત્તાસભર પ્રસાદ મળી રહે એ માટે એજન્સી પર સતત દેખરેખ રાખતી હતી. આમ, મેળા દરમિયાન ભક્તોને સારી ક્વોલિટીનો પ્રસાદ મળી રહે એ સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું. ઘીના જે સેમ્પલ ફેલ થયા છે એ બાબતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા એજન્સી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એમ અંબાજી મંદિર ટ્રસ્ટ ઓથોરિટીએ જણાવ્યું છે.
આ અંગે હવે જીસીએમએમએફનું નિવેદન સામે આવ્યું છે. તેણે કહ્યું કે, અંબાજી મંદિરનો પ્રસાદ બનાવવા માટે ઉતરતી કક્ષાના ઘીનો પુરવઠો પૂરો પડાતો હોવા અંગેના અહેવાલો અમારા ધ્યાનમાં આવ્યાં છે. આ ગંભીર બાબત અંગે હાથ ધરાયેલી તપાસમાં જાણવા મળ્યું છે કે આ નિમ્ન કક્ષાના ઘીનો પુરવઠો મોહિની કેટરર્સ દ્વારા પૂરો પાડવામાં આવતો હતો. મોહિની કેટરર્સ દ્વારા મંદિરના ટ્રસ્ટને પૂરા પાડવામાં આવતા 15 કિલોના ઘીના ડબ્બા પર સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન (સાબર ડેરી)ના બનાવટી લેબલ લગાવાયા હતાં.
ફૂડ વિભાગ દ્વારા સીલ કરવામાં આવેલ ડબ્બાઓ ઉપર છાપવામાં આવેલ બેચ નંબર, ડબ્બાઓના સ્પેસિફિકેશન, ડબ્બાઓ ઉપર ચોટાડવામાં આવતા લેબલ અમૂલ ફેડરેશન દ્વારા નક્કી કરવામાં આવતા ધારા ધોરણો મુજબ નથી. ઉપરોક્ત બાબતોને ધ્યાનમાં લઈને એ સાબિત થાય છે કે મોહિની કેટરર્સ દ્વારા અમૂલના માર્કા હેઠળ નકલી ઘી પેક કરીને વાપરવાથી અમૂલની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડવાનું હીન કૃત્ય કરવામાં આવેલ છે. અમે આપને જણાવવા માંગીએ છીએ કે સાબર ડેરીએ 30 સપ્ટેમ્બરના રોજ અંબાજી પોલીસ સ્ટેશનમાં, મોહિની કેટરર્સ અને અન્ય અજાણ્યા શખ્સો સામે હલકી ગુણવત્તાવાળા ઘીના પુરવઠો પૂરો પાડવા તથા તેને અમૂલ ઘી તરીકે ખોટી રીતે રજૂ કરવાના મામલે એફઆઈઆર દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી દીધી છે.
અમે સ્પષ્ટતા કરવા માંગીએ છીએ કે મંદિરને ઉતરતી ગુણવત્તાયુક્ત ઘીનો પુરવઠો પાડવાના મામલે જીસીએમએમએફની કોઈ પણ પ્રકારે સંડોવણી નથી. આ બાબતે અમૂલ ફેડરેશનના એમડી જયેન મહેતાએ જણાવ્યું હતું કે અમૂલનો કોઈ પણ સંધ આવા પ્રકારના કાર્યમાં સામેલ નથી તથા બજારમાં મળતું અમૂલ ઘી અસલી તથા ઉચ્ચ ગુણવત્તા વાળું જ છે.