હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખુ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. કોવિડના લક્ષણો બાદ સીએમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જે બાદ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. છેલ્લા 5 દિવસથી રાજ્યની બહાર હોવાના કારણે મુખ્યમંત્રી હાલ દિલ્હીમાં છે અને આજે તેઓ સવારે 11 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાના હતા. પરંતુ હવે કોરોના સંક્રમિત થવાને કારણે પીએમ મોદીને મળી શકશે નહીં
કોવિડ પ્રોટોકોલનું પાલન કરશે
હિમાચલ સદનમાં મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખુ સ્વસ્થ થઈ રહ્યા છે. હિમાચલ સદનના અધિકારીઓ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, મુખ્યમંત્રી જ્યાં રોકાયા છે તે ફ્લોર પર કોઈપણ વ્યક્તિની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં હવે મુખ્યમંત્રી 4 દિવસ સુધી કોવિડ-19 પ્રોટોકોલનું પાલન કરશે. માનવામાં આવે છે કે 18 ડિસેમ્બરથી 21 ડિસેમ્બર સુધી તેઓ દિલ્હીમાં જ રહેશે. જે બાદ તબીબોની તપાસ બાદ જ આગળનો નિર્ણય લેવામાં આવશે.
સ્પીકરના શપથ ગ્રહણમાં હાજર નહીં રહે
સીએમ સુક્ખુ આજે રાજભવનમાં પ્રોટેમ સ્પીકર ચંદ્ર કુમારના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી શકશે નહીં. આ પહેલા ચંદ્ર કુમારનું શપથ સવારે 11 વાગ્યે હતું. મુખ્યમંત્રીના આજે દિલ્હીથી પરત ફરવાના કારણે શપથ ગ્રહણ સમારોહ સાંજે 5 વાગ્યે ફરી નક્કી કરવામાં આવ્યો હતો.