સુરત: છેલ્લા એક દાયકાથી પિતાવિહોણી દીકરીઓને ભવ્ય લગ્ન સમારોહ યોજીને વિદાઈ આપવા માટે જાણીતા સમાજસેવી એવા પી.પી.સવાણી પરીવારના આંગણે ૨૪મી ડિસેમ્બર ના રોજ સુરત ખાતે પીપી સવાણી ગ્રુપ અને જાનવી લેબ ગ્રોન ગ્રુપ દ્વારા શનિવારે 150 દીકરીઓના ધામધૂમ પૂર્વક લગ્ન યોજાયા હતા અને રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિતના આગેવાનોના હસ્તે કન્યાદાન કરીને પિતાની હૂંફ સાથે હિંદુ, મુસ્લિમ, ઈસાઈ ધર્મ સહિત સર્વ જ્ઞાતિઓની પિતાવિહોણી દીકરીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા અને ૧૫૦ દીકરીને સાસરે વળાવી હતી.
મુખ્યમંત્રીશ્રી સહિત કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીગણની ઉપસ્થિતિમાં એક લાખથી વધુ લોકોએ સ્વૈચ્છિક અંગદાનનો સંકલ્પ લઈને અનોખો વિક્રમ નોંધાવી ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. આ સાથે મુખ્યમંત્રીશ્રીના હસ્તે માતાપિતા વિહોણા, દિવ્યાંગ અને આર્થિક રીતે નબળા જરૂરિયાતમંદ ૧૦૦૦ વિદ્યાર્થીઓ માટે ‘વિદ્યાર્થી દત્તક યોજના’ નો પ્રારંભ થયો હતો.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, પિતાની છત્રછાયા વિનાની હજારો દીકરીઓના લગ્નથી લઈને આજીવન જવાબદારી નિભાવવી એ સમાજ સેવાનું વિરલ ઉદાહરણ છે. ‘કન્યાદાન મહાદાન’ ના સૂત્રને સાર્થક કરીને અન્ય લોકો માટે, શ્રેષ્ઠીઓ માટે દાખલારૂપ બનેલા સવાણી પરિવાર આયોજિત આ લગ્નોત્સવ સદ્દભાવ, સમભાવ અને મમભાવનું પ્રેરણા કેન્દ્ર બનશે સાથો સાથ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલે જણાવ્યું કે, પિતા વિહોણી દીકરીઓની ધામધૂમથી લગ્ન જીવનની બક્ષિસ આપીને સમાજને નવો સંદેશ આપ્યો છે. સુરત આંગણે એક જ દિવસમાં એક લાખ વ્યક્તિઓ સંકલ્પબધ્ધ થઈને અંગદાનમાં જોડાયા એ સુરતના નામે વધુ એક સિધ્ધી છે.
મહેશભાઈ સવાણીએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરીને દીકરીઓને 10 શિખામણનો કરિયાવર આપ્યો હતો. ત્યારબાદ એક લાખથી વધુનો અંગદાન સંકલ્પ અને 1000 વિદ્યાર્થી દત્તક યોજનાની જાહેરાત કરાઈ હતી.
આ પ્રસંગે કેન્દ્રીય રેલવે અને ટેક્ષટાઈલ રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, ગૃહ, રમતગમત રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી, વન અને પર્યાવરણ, પાણી પુરવઠા રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલ, સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયા, પ્રદેશ સંગઠન અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ, સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, સુરતના અધ્યક્ષશ્રી કાનજીભાઈ ભાલાળા, પદ્મશ્રી મથુરભાઈ સવાણી સહિત ધારાસભ્ય સર્વશ્રી વિનોદભાઈ મોરડીયા, પુર્ણેશ મોદી, જીતુભાઈ વાઘાણી, મનુભાઈ પટેલ, પ્રવિણભાઈ ઘોઘારી, સંદિપ દેસાઈ, મોહનભાઈ ઢોડિયા, કાંતિભાઈ બલર, સંગીતા પાટીલ, મેયર શ્રીમતી હેમાલી બોઘાવાલા, અગ્રણીઓ, સંતો મહંતો સહીત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનિય છે કે પી.પી.સવાણી પરિવાર અને સહયોગી દાતાઓ દ્વારા આજ સુધી લગભગ ૪૫૭૨ દીકરીઓનું કરિયાવર સાથે કન્યાદાન કરવામાં આવ્યું છે.
ન્યૂઝ બ્યુરો: ગુજરાત પહેરેદાર