પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના નેતા અને ઇમરાન ખાનના નજીકના સાથી ફવાદ ચૌધરીની તેમના ઘરેથી ધરપકડ કરવામાં આવી છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની ધરપકડ કરવાનું કાવતરું ઘડવા બદલ તેમણે જાહેરમાં સરકારની નિંદા કરી હતી
અહીંની એક ન્યૂઝ ચેનલ અનુસાર, ફવાદની ધરપકડ પીટીઆઈના કાર્યકરોના ટોળા વચ્ચે થઈ છે જેઓ ઇમરાન ખાનની સુરક્ષા સુનિશ્ચિત કરવા તેમના નિવાસસ્થાને એકઠા થયા હતા. પીટીઆઈના નેતા ફારુક હબીબે ટ્વીટ કરીને કહ્યું કે, સરકાર પાગલ થઈ ગઈ છે. તેમણે સોશિયલ મીડિયા પર વીડિયો પણ પોસ્ટ કર્યો. રિપોર્ટ અનુસાર, ઇસ્લામાબાદ પોલીસ સૂત્રોએ જણાવ્યું કે પીટીઆઈ નેતાની લાહોરમાં થોકર નિયાઝ બેગ પાસેના તેમના નિવાસસ્થાનેથી ધરપકડ કરવામાં આવી.
પીટીઆઈના કેટલાક નેતાઓએ ફવાદ ચૌધરીની ધરપકડની નિંદા કરી હતી. બુધવારે વહેલી સવારે ઇમરાન ખાનની ધરપકડની અફવા ફેલાઈ હતી, જેના પગલે મોટી સંખ્યામાં પાર્ટીના નેતાઓ અને કાર્યકરો લાહોરમાં તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. પીટીઆઈએ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર લખ્યું, ‘એવા અહેવાલો છે કે કઠપૂતળી સરકાર આજે રાત્રે ઇમરાન ખાનની ધરપકડ કરવાનો પ્રયાસ કરશે.’ સમર્થકોએ સૂત્રોચ્ચાર કરીને સરકાર પ્રત્યે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.
‘પોલીસમાં હિંમત હોય તો ધરપકડ કરી લે’
ધરપકડ પહેલા મીડિયા સાથે વાત કરતા ફવાદ ચૌધરીએ શાહબાઝ સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કથિત ષડયંત્રમાં સામેલ લોકોને દેશદ્રોહી ગણાવ્યા. ચૌધરીએ કહ્યું, ‘જો પોલીસમાં હિંમત હોય તો તેઓ આવીને ઇમરાન ખાનની ધરપકડ કરી લે.’ પાર્ટીના અન્ય એક નેતા હમ્માદ અઝહરે દાવો કર્યો હતો કે સરકાર ઇમરાન ખાનની ધરપકડ માટે માહોલ બનાવવાનું કામ કરી રહી છે.