કોચીનથી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટ 6E 2407 શુક્રવારે ભોપાલ ડાયવર્ટ કરવામાં આવી હતી. શુક્રવારે એક નિવેદનમાં, એરલાઇન્સે જણાવ્યું હતું કે, દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટ જે કોચીનથી દિલ્હી ઉડાન ભરી હતી તેને તબીબી કટોકટીના કારણે ભોપાલ તરફ વાળવામાં આવી હતી. નિવેદનમાં જણાવાયું છે, “કોચીનથી દિલ્હીની ઈન્ડિગો ફ્લાઇટ 6E 2407 ને મેડિકલ ઈમરજન્સીના કારણે ભોપાલ તરફ વાળવામાં આવી છે. અન્ય મુસાફરોને થતી અસુવિધા બદલ અમને ખેદ છે.”
ભોપાલ એરપોર્ટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, કોચીનથી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટને ભોપાલ ખાતે લેન્ડ કરવામાં આવી હતી કારણ કે ફ્લાઈટમાં સવાર એક મુસાફરને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો અને તેને તાત્કાલિક તબીબી સારવારની જરૂર હતી. ફ્લાઇટ લેન્ડ થયા પછી, એરપોર્ટની ટીમે એક સેકન્ડ પણ બગાડ્યા વિના તરત જ પેસેન્જરને ઉતાર્યો અને તેને સલામત રીતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો અને તેનો જીવ બચી ગયો.
કોચીથી ચડેલા મુસાફર હરીશ ગ્રોવર (60 વર્ષ)ને અચાનક શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. જેના કારણે તે બેહોશ થઈ ગયો હતો. હરીશ તેના ત્રણ સંબંધીઓ સાથે કોચીનથી દિલ્હી જઈ રહ્યો હતો. દર્દી સહિત ત્રણેય મુસાફરોને ભોપાલ એરપોર્ટ પર ઉતારી દેવામાં આવ્યા હતા. ફાયર સ્ટાફની મદદથી દર્દીને 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને દાખલ કરવામાં આવ્યો હતો.
બીજી ફ્લાઈટનું પણ ઈમરજન્સી લેન્ડિંગ થયું
અગાઉના દિવસે, કાલિકટથી દમ્મામ જતી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ ટેક-ઓફ દરમિયાન જમીન સાથે અથડાયા બાદ તેને તિરુવનંતપુરમ તરફ વાળવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે તિરુવનંતપુરમ એરપોર્ટ પર સંપૂર્ણ કટોકટી જાહેર કરવામાં આવી હતી અને વિમાન સુરક્ષિત રીતે લેન્ડ થયું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, કોઝિકોડ-દમ્મામ રૂટ પર એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ IX 385 કોઝિકોડ એરપોર્ટ પરથી ટેકઓફ કરતી વખતે શંકાસ્પદ ટેલ સ્ટ્રાઈકને કારણે તિરુવનંતપુરમ તરફ વાળવામાં આવી હતી.