પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં નગરપાલિકા દ્વારા અપાતું પીવાનું પાણી દૂષિત અને દુર્ગંધ વાળુ આવતું હોવાની શહેરીજનોમા બુમરાણ ઉઠી છે. ત્યારે શનિવારના રોજ શહેરના લોટેશ્વર મહાદેવ પાસે આવેલા મુખાતવાડા વિસ્તારમાં પણ પીવાના પાણી દૂષિત અને દુર્ગંધવાળું આવતા રહીશોમાં ફફડાટ વ્યાપ્યો હતો.
એક તરફ પવિત્ર રમજાન માસ અને પવિત્ર ચૈત્ર માસ ચાલી રહ્યો હોય વિસ્તારના લોકોની ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચી રહી છે. પાલિકા દ્વારા આપવામાં આવતું દૂષિત અને દુર્ગંધ મારતું પાણી પીવા લાયક તો નહીં જ પરંતુ ઉપયોગમાં લેવા લાયક પણ ન રહેતા લોકોમાં દૂષિત પાણીને લઈને રોગચાળો ફેલાવવાની પણ ભીતિ સેવાઈ રહી છે. આ પવિત્ર મહિનાને ધ્યાનમાં રાખીને પાટણ નગરપાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે દુષિત પાણીની સમસ્યાનું નિરાકરણ લાવે તેવી માંગ રહીશોએ કરી છે.
દૂષિત પાણી અંગે સ્થાનિક કોર્પોરેટર ડોક્ટર નરેશ દવેને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે, છેલ્લા ચાર દિવસથી વિસ્તારમાં દૂષિત પાણી આવતું હોવાની સ્થાનિક લોકોની ફરિયાદ મળી હતી જેથી વોટર વર્કસ શાખામાં આ બાબતે જાણ કરી હોવાથી એક બે દિવસમાં આ દૂષિત પાણીનો ઉકેલ આવી જશે. પરંતુ પાટણ શહેરની તમામ ભુગર્ભની કુંડીઓ છલોછલ ભરી હોવાથી પાટણ શહેરમાં દૂષિત પાણી આવતું હોવાનું જણાવી ભૂગર્ભ ગટરના કોન્ટ્રાક્ટર દ્વારા પાટણ શહેરના તમામ ભૂગર્ભની કુંડીઓમાંથી કાદવ કીચડ કાઢ્યા બાદ તેનું યોગ્ય મરામત કરી પાણીની પાઇપ લીકેજ હોય તો તેને બદલવાની કામગીરી કરવી પડે.
આજકાલ પાટણ નગરપાલિકા દ્વારા નિમાયેલી ભૂગર્ભ ગટરની એજન્સીના કર્મચારીઓ ભર ઉનાળે એસી ચેમ્બરમાં બેસી શહેરીજનોને ઉનાળાની કાળજાળ ગરમીમાં રોગચાળામાં ધકેલવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હોય તેવી કામગીરીને લઈ કોર્પોરેટ ડોક્ટર નરેશ દવેએ ભૂગર્ભ ગટરની એજન્સી સામે પણ સવાલો ઊભા કર્યા હતા.