ઈન્ડિયન કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) એ ફરી એકવાર એન્ડ્રોઈડ યુઝર્સ માટે ચેતવણી જાહેર કરી છે. CERT-In અનુસાર, એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમમાં ઘણા બગ્સ જોવા મળ્યા છે જે યુઝર્સ માટે ખૂબ જ ખતરનાક છે. આ બગ્સની મદદથી હેકર્સ એન્ડ્રોઇડ ડિવાઇસમાં ઘૂસી શકે છે અને મહત્ત્વપૂર્ણ ડેટા ચોરી શકે છે.
CERT-In એ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે એન્ડ્રોઇડ વર્ઝન 11, 12, 12L અને 13માં ઘણા બગ્સ છે જે ફોનની સુરક્ષા માટે ખતરનાક છે. ગૂગલે આ બગ્સની પુષ્ટિ કરી છે અને તેના સુરક્ષા બુલેટિનમાં તેના વિશે માહિતી આપી છે.
ખામીઓ વિશે વધુ વિગતો આપતા, CERT-In એ કહ્યું છે કે ફ્રેમવર્ક, સિસ્ટમ, Google Play સિસ્ટમ, Qualcomm ચિપ અને Qualcomm ક્લોઝ્ડ સોર્સમાં ખામીઓ છે જેના કારણે Android ફોન જોખમમાં છે. આ ખામીઓનો લાભ લઈને હેકર્સ તમારી અંગત માહિતી લઈ શકે છે અને તમારા ફોનને રિમોટલી કંટ્રોલ પણ કરી શકે છે.
ભારતમાં કરોડો મોબાઈલ યુઝર્સ આ બગ્સથી પ્રભાવિત થશે, કારણ કે હાલમાં મોટાભાગના એન્ડ્રોઈડ ફોનમાં એન્ડ્રોઈડ 11, 12 અને 13 છે. અગાઉ ગયા મહિને પણ CERT-In એ એન્ડ્રોઇડ બગ્સ અંગે ચેતવણી જારી કરી હતી. તે દરમિયાન 40 જેટલી ખામીઓ ઓળખવામાં આવી હતી.
એન્ડ્રોઇડની આ ખામીઓથી બચવાનો ઉપાય શું છે?
CERT-In એ કહ્યું છે કે એન્ડ્રોઇડ યુઝર્સે તેમના ફોન તાત્કાલિક અસરથી અપડેટ કરવા જોઈએ. જો તમારા ફોનમાં સિક્યોરિટી અપડેટ આવી ગયું છે, તો તેને અવગણશો નહીં. ફોનને અપડેટ કરવા માટે, સેટિંગ્સ અને પછી સિસ્ટમ અને અપડેટ સોફ્ટવેરમાં જાઓ અને ફોન અપડેટ કરો.